- રાજ્યના હવામાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પલટો આવવાની પણ સંભાવના દર્શાવાઈ છે.
અમદાવાદ,
હવામાન વિભાગે ફરીથી ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે.૧૬ માર્ચ સુધી હવામાન વિભાગે રાજ્યમાં માવઠું થવાની આગાહી કરી છે અને ૧૭ જિલ્લામાં માવઠાનું સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યમાં ઉત્તર પૂર્વીય પવનોના કારણે વાતાવરણ પલટાશે. અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દાહોદ, તાપી, નર્મદા, સુરત, ભરૂચ, છોટા ઉદેપુર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, દ્વારકા, પોરબંદર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. તો ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી કરી છે.
રાજ્યના હવામાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પલટો આવવાની પણ સંભાવના દર્શાવાઈ છે. રાજ્યના અમુક ભાગોમાં માવઠાની વકી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ૧૩થી ૧૫ માર્ચ દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી છે. આઈએમડી મુજબ ૧૩ અને ૧૪ તારીખે ગુજરાતમાં હળવા કે ભારે પવન સાથે કમોસમી વરસાદ થવાની સંભાવના છે. કચ્છ, પોરબંદર, ગીર-સોમનાથમાં પણ કમોસમી વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ૧૩ અને ૧૪ માર્ચે આ જિલ્લાઓમાં ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદ, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા, તાપી, નર્મદા, અમરેલી, ભાવનગર, રાજકોટ અને કચ્છ સહિત કેટલીક જગ્યાએ ૩૦થી ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે માવઠું થશે. ૧૪ માર્ચે નર્મદા, તાપી, અમરેલી, રાજકોટ અને કચ્છમાં ૩૦થી ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે માવઠું થશે. ૧૫ માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, અને કચ્છમાં ૩૦થી ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે માવઠું થશે. જ્યારે ૧૬ માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નર્મદા, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, કચ્છમાં ગાજવીજ, ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
નોંધનીય છે કે રાજ્યમાં હાલમાં રવી પાક તૈયાર થઈ ગયો છે અને ખેડૂતો રવી પાકની લણણીમાં લાગી ગયા છે. આ સ્થિતિમાં માવઠુ થવાથી ખેડૂતોને નુક્સાન થઈ શકે છે. જેને જોતા ખેડૂતોને શાકભાજી અને બાગાયતી પાક ઉતારી લેવાની અને ખેત પેદાશો તેમજ ઘાસચારાને સલામત સ્થળે ખસેડી લેવાની સૂચના આપવામાં આવી છે.