ગુજરાતમાં ટોચના ૨૬ IAS અધિકારીઓની બદલી

આજે ગુજરાત સરકારે સચિવાલય કક્ષાએથી રાજ્યના બે ડઝનથી પણ વધુ અટલે કે ૨૬ આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ કરતા હાલ આ ચર્ચાનો વિષય બન્યો છે. આજે મોડી સાંજે સચિવાલય કક્ષાએથી બદલીનો ઘાણવો નીકળતા વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફાર થયા છે. કોરોનાના કારણે બદલીઓ અટકી પડી હતી ત્યારે હવે સચિવાલયમાંથી જ બદલીનો દોર શરૂ થયો છે.

આજે થયેલા આદેશો મુજબ રાજ્ય સરકારના મહેસુલ સચિવ પંકજ કુમારને ગૃહ સચિવ બનાવાયા છે, આ પેહલા તેઓને મહેસુલ ઉપરાંત ગૃહનો વધારોનો હવાલો સોંપાયો હતો. જ્યારે કમલ દયાનીને મહેસુલ સચિવ તરીકેની જવાબદારી અપાઈ છે. આઈએએસ અધિકારી મનોજ અગ્રવાલને ડો.જયંતિ રવિની જગ્યાએ આરોગ્ય સચિવ બનાવાયા છે. ઊર્જા અને પેટ્રોકેમિકલ્સના સચિવ સુનેના તોમરને સામાજિક ન્યાય એન એમ્પાવરમેન્ટ વિભાગના સચિવ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. વન અને પર્યાવરણ વિભાગના સચિવ ડો.રાજીવ ગુપ્તાને ઉદ્યોગ સચિવ બનાવાયા છે.

જામનગરના મ્યુનિસિપલ કમિશનર સતીશ પટેલની ગાંધીનગર ખાતે બઢતી સાથે બદલી કરવામાં આવી છે. સતીશ પટેલને ગાંધીનગર મિડ ડે મિલ્સના કમિશનર તરીકે મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત કમિશનર ઓફ સ્કૂલસનો વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે.

શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા પંચાયત, ગ્રામ્ય વિકાસ અને ગ્રામ્ય હાઉસિંગ વિભાગના સચિવ તેમજ મુખ્યમંત્રીના સચિવ મનોજકુમાર દાસને બંદર અને વાહન વ્યવહારનો વધારાનો ચાર્જ સોંપાયો છે. આ તરફ ગ્રામ્ય વિકાસ, હાઉસિંગ, પંચાયત વિભાગના સચિવ વિજય નેહરા સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ તરીકેની જવાબદારી અપાઈ છે. જ્યારે સાયન્સ અને ટેકનોલોજીના સચિવ હારિત શુક્લાને ઉદ્યોગ વિભાગના સચિવ બનાવાયા છે. મહિલા અને બાળ વિકાસ વિભાગના કમિશનર મનિષા ચંદ્રાની નાણાં વિભાગ (ખર્ચ)માં સચિવ તરીકે બદલી કરાઈ છે.