ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં કેટલાક દિવસોથી તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, તો લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. એવામાં હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી કેટલાક દિવસો હવામાન સુકું રહેશે.
હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર, રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાઓ તથા દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં ૭ જૂન સુધી વાતાવરણ સુકું રહેશે. આ પછી ૮ જૂને રાજ્યમાં દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિત કેટલાક જિલ્લાઓમાં અને દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જયારે બીજા જિલ્લાઓમાં અને દીવમાં વાતાવણ સુકું રહેશે.
રાજ્યમાં ૯ જુને અરવલ્લી, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અને દીવમાં છૂટોછવાયો વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
૧૦ જુનના રોજ ગુજરાતના અરવલ્લી, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવા ગાજવીજ સાથે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સિવાય રાજ્યના બીજા વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, ૧૧ જુનના દિવસે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાથે જ પંચમહાલ, દાહોદ અને મહિસાગર સહિત સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.