આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા ફરી એકવાર ચર્ચા લઈને આવ્યા છે. ગોપાલ ઈટાલિયાએ ગૃહ મંત્રાલયના ગંભીર છબરડા પર સવાલો કર્યા છે. એક સમયે ગુજરાત પોલીસમાંથી રાજીનામું આપી ચૂકેલા ગોપાલ ઈટાલિયાને ગુજરાત પોલીસે પ્રમોશન આપ્યું છે. આ સાથે જ તેમણે પ્રમોશનના લિસ્ટમાં પોતાના નામ સાથેની ટ્વિટ કરી છે.
ગોપાલ ઈટાલિયાએ ટ્વિટ કરીને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, વર્ષ-૨૦૧૫ માં ગુજરાત પોલીસમાંથી મેં રાજીનામું આપ્યું હોવા છતાંય વર્ષ-૨૦૨૪ માં કોન્સ્ટેબલથી હેડકોન્સ્ટેબલના પ્રમોશન લિસ્ટમાં ક્રમ નંબર-૭૨૬ પર મારું નામ સામેલ કરીને મને હેડકોન્સ્ટેબલનું પ્રમોશન આપવા બદલ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આભાર માનું છું. આ ટ્વીટમાં હર્ષ સંઘવી પર ઈટાલિયાએ કટાક્ષ કર્યા છે.
વર્ષ-૨૦૧૫ માં ગુજરાત પોલીસમાંથી મેં રાજીનામું આપ્યું હોવા છતાંય વર્ષ-૨૦૨૪ માં કોન્સ્ટેબલથી હેડકોન્સ્ટેબલના પ્રમોશન લિસ્ટમાં ક્રમ નંબર-૭૨૬ પર મારું નામ સામેલ કરીને મને હેડકોન્સ્ટેબલનું પ્રમોશન આપવા બદલ આઠ પાસ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આભાર માનું છું.
આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા એક સમયે ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હતા. તેમણે ૨૦૧૫ ના વર્ષમાં પોલીસ વિભાગમાંથી રાજીનામું આપ્યું હતું. જોકે, રાજીનામું આપ્યા છતાં ગોપાલ ઈટાલિયાને વર્ષ ૨૦૨૪માં કોન્સ્ટેબલથી હેડકોન્સ્ટેબલના પ્રમોશન આપવામાં આવ્યું છે. પ્રમોશન લિસ્ટમાં ક્રમ નંબર-૭૨૬ પર ગોપાલ ઈટાલિયાને હેડકોન્સ્ટેબલનું પ્રમોશન આપવામાં આવ્યું છે. ત્યારે ગોપાલ ઈટાલિયાની એક ટ્વિટથી સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે.
ગોપાલ ઈટાલિયા એ જ છે જેને ભૂતકાળમાં ગુજરાતના ગૃહમંત્રી પર ચંપલ ફેંકીને ચર્ચામાં આવ્યા હતા. જેઓએ આપ જોઈન કરીને સરકાર વિરોધમાં મોરચો ખોલ્યો હતો. ગોપાલ ઈટાલિયાએ આપના પૂર્વ પ્રદેશ પ્રમુખ છે. સુરતમાંથી આપની ટિકિટ પર ચૂંટણી લડી ધારાસભ્ય બનવાનો પ્રયાસ કર્યો હતો પણ એમની હાર થઈ હતી.