ગુજરાતમાં ગામડા કરતા શહેરી લોકોનો ઘરગથ્થુ ખર્ચ ૭૪ ટકા વધુ

અમદાવાદ, ગુજરાતમાં ગામડા કરતા શહેરી વિસ્તારના લોકોનો ખર્ચ ૭૪ ટકા વધુ છે. ગ્રામ્ય વિસ્તારના પરિવારનો માસિક ખર્ચ સરેરાશ ૩૭૯૮ રૂપિયા છે તેની સરખામણીએ શહેરોમાં આ ખર્ચ રૂા.૬૬૨૧ છે.

કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ઘરગથ્થુ વપરાશ અને ખર્ચનો સર્વે રિપોર્ટ જારી કર્યો હતો તેમાં ગુજરાતને સ્પર્શતા મહત્વના રસપ્રદ આંકડા પણ જારી થયા છે. મહત્વની વાત એ છે કે રાષ્ટ્રીયકક્ષાએ ઘરગથ્થુ સરેરાશ ખર્ચ કરતા ગુજરાતમાં ખર્ચ થોડા વધુ છે. રાજકીય સ્તરે ગ્રામ્ય કક્ષાનો ઘરગથ્થુ વપરાશ- ખર્ચ સરેરાશ રૂા.૩૭૭૩ તથા શહેરીક્ષેત્રનો રૂા.૬૪૫૯ છે.

સર્વેમાં એવા તારણો નિકળ્યા છે કે ગામડામાં ૪૭ ટકા તથા શહેરોમાં ૪૦ ટકા ઘરગથ્થુ બજેટ ભોજન- ખાદ્યચીજો પાછળ વપરાય છે. શહેરી વિસ્તારોમાં ઘરગથ્થુ બજેટના ૧૦.૫ ટકાનો ખર્ચ ઠંડાપીણા, પેકેજડ ફુડમાં થાય છે. તબીબી ખર્ચ ગ્રામ્ય સ્તરે ૭ ટકા તથા શહેરી વિસ્તારોમાં ૬ ટકા થવા જાય છે.

શહેરી વિસ્તારોમાં લોકોનો સરેરાશ ૬.૫ ટકાનો ખર્ચ મકાનભાડામાં થાય છે જયારે સાત ટકા ખર્ચ ક્ધઝયુમર ડયુરેબલ પાછળ કરવામાં આવે છે. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ગુજરાતની ખર્ચ પેટર્ન પણ અન્ય મોટા રાજયો જેવી જ માલુમ પડી રહી છે. જો કે, શહેરી તથા ગ્રામ્ય ખર્ચની ટકાવારીમાં અંતર્ગત નોંધપાત્ર છે. કારણ કે શહેરોમાં કન્વેયન્સ તથા ભોજન ખર્ચ વધુ રહેતો હોય છે.

દેશમાં સૌથી વધુ ઘરગથ્થુ ખર્ચ કર્ણાટકનો છે જયાં શહેરી વિસ્તારોનો સરેરાશ ઘરગથ્થુ વપરાશ ખર્ચ રૂા.૭૬૬૬ છે. જો કે, ગ્રામ્ય સ્તરે સૌથી વધુ ૫૯૨૪ રૂપિયાનો ખર્ચ કેરળનો છે. જયાં શહેરી વિસ્તારનો ખર્ચ ૭૦૭૮ છે. તામિલનાડુમાં શહેરી ખર્ચ ૭૬૩૦ તથા ગ્રામ્યનો ૫૩૧૦, આંધ્રપ્રદેશમાં સરેરાશ ૬૭૮૨ તથા ૪૮૭૦ છે. મહારાષ્ટ્રમાં શહેરી ખર્ચ ૬૬૫૭ તથા ગ્રામ્ય ખર્ચ ૪૦૦૦ છે.