પાલનપુરના ખોડલામાં ફેક્ટરીમાં બેફામ કારચાલકે ૨ માસૂમ બાળકોનો જીવ લીધો છે. વિગતો મુજબ આ બેફામ કારચાલક પૂરઝડપે કાર લઈ ફેક્ટરીમાં ઘૂસી ગયો હતો. આ તરફ ફેક્ટરીના પ્રાંગણમાં રમી રહેલા ૨ બાળકોને કાળ બનીને આવેલ કારે ટક્કર મારતાં માસુમો હવામાં ફંગોળાયાં હતા. જે બાદમાં ગંભીર ઇજાઓને કારણે બંનેના કરૂણ મોત થયા છે. આ તરફ હવે સ્થાનિક પોલીસે CCTV ના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી બેફામ કારચાલકો અનેક અકસ્માત સર્જી રહ્યા છે. આ તરફ ઉત્તર ગુજરાતના પાલનપુરના ખોડલાથી પણ આવી જ એક દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ પાલનપુરના ખોડલામાં ફેકટરીના પ્રાંગણમાં બે બાળકો રમી રહ્યા હતા. આ દરમિયાન ન જાણ્યું જાનકીનાથે, કાલ શું થવાનું.. તે પંક્તિની જેમ અચાનક એક કાર બેફામ સ્પીડે ફેક્ટરીમાં ઘૂસી ગઈ હતી. જેમાં ૬ વર્ષના સુરેશ ડામોર અને ૬ વર્ષના ચિરાગ તડવીને આ કાળ બનીને આવેલ કારે કચડી નાંખતા બંનેના મોત થયા હતા.
બેફામ કાર ચાલકે ફૂલસ્પીડમાં આવી ફેક્ટરીના પ્રાંગણમાં રમી રહેલા બાળકોને અડફેટે લીધા બાદ બંને બાળકો ફંગોળાયાં હતા. આ ઘટનામાં બંને માસુમોના મોત થયા છે. આ તરફ અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનામાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેને લઈ હવે પાલનપુર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.