ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ, ફરી મેઘરાજા બોલાવશે ‘ધબધબાટી’

  • 15 ઓક્ટોબર સુધી રાજ્યમાં રહેશે વરસાદી માહોલ
  • રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી
  • રાજ્યમાં હજુ 4 દિવસ સુધી હળવો વરસાદ રહી શકે છે

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, ‘રાજ્યમાં ફરી અમુક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે. 15 ઓક્ટોબર સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ રહેવાની શક્યતા રહેલી છે.

હાલમાં બપોરે ગરમી અને રાત્રે ઠંડક એમ બેવડી ઋતુનો અહેસાસ થશે. આંધ્રપ્રદેશ પર સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી તેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે.’ હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 15 ઓક્ટોબર સુધી કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા રહેલી છે.

રાજ્યમાં હજુ 4 દિવસ હળવો વરસાદ રહી શકે

આ સિવાય ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ રહેશે. ડાંગર અને કેળાના પાકને નુકસાનીની ભીતિ દેખાઇ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં હજુ 4 દિવસ હળવો વરસાદ રહી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ રહેશે. સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં વરસાદની સંભાવના રહેલી છે. સૌરાષ્ટ્ર-કચ્છના બાકીના જિલ્લાઓમાં વાતાવરણ કોરુ રહેવાની સંભાવના છે.

ગઇકાલે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજા પધાર્યા હતા

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાએ પધરામણી કરી હતી. જેમાં વિગતે વાત કરીએ તો ગઇકાલે રાજકોટના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. શહેરના મવડી ચોકડી, નાનામૌવા સર્કલ, KKV ચોક, ઇન્દિરા સર્કલ અને નાણાવટી ચોકમાં વરસાદ પડ્યો હતો.

વરસાદ પડતા નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં વીજળી ગુલ થઇ ગઇ હતી

આ સિવાય નડિયાદમાં પણ એકાએક વાતાવરણમાં પલટો આવતા નડિયાદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જેમાં ઉત્તરસંડા, ડભાણ, ગોતાલ, મરીડા અને બીજ ટુંડેલમાં પણ વરસાદ થયો હતો. વરસાદ પડતા નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં વીજળી ગુલ થઇ ગઇ હતી.

યાત્રાધામ ડાકોરમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો

ખેડાના ડાકોરમાં પણ ગઇકાલે લાંબા વિરામ બાદ વરસાદનું અચાનક આગમન થયું હતું. યાત્રાધામ ડાકોરમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કાલસર, નેશ ધુણાદરા અને રખિયાલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જોકે કમોસમી વરસાદના કારણે ઠાસરા તાલુકાના ખેડૂતો ચિંતામાં વ્યાપી ગઇ હતી. આમ, ગઇકાલે રાજ્યના અનેક જિલ્લાઓમાં ક્યાંક ઝરમર ઝરમર વરસાદ તો ક્યાંક પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના લીધે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ દેખાઇ રહી છે.