
અમદાવાદ, ગુજરાતમાં લાંચ-રૂશ્ર્વત વિરોધી પ્રવૃતિનો પણ વિકાસ થઈ રહ્યાનું લાગે છે.ચાલુ વર્ષમાં રાજયમાં ૨૭૬ લાંચીયા બાબુઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ગૃહ વિભાગનાં અધિકારીઓ સામે સૌથી વધુ કેસ છે. તો ૧૦૦ થી વધુ વચેટીયા પણ પકડાયા છે. દેશના રોલ મોડેલ એવા ગુજરાતમાં લાંચ વિરોધી બ્યુરોએ ચાલુ વર્ષમાં ૧૯૯ લાંચની ફરીયાદ નોંધી છે. આ મામલે ૨૭૬ લાંચીયાઓની ધરપકડ કરી છે અને ૧,૫૫,૬૯૬૯૦ રૂપિયા કબ્જે કર્યા છે.
ઝડપાયેલ ૨૭૬ આરોપીઓમાં સમગ્ર ગુજરાતમાંથી એસીબીએ વર્ગ-૧ ના ૭ અધિકારીઓ, વર્ગ ૨ ના ૮ અધિકારીઓ, વર્ગ ૩ ના ૧૩૦ સરકારી કર્મચારીઓ, વર્ગ ૪ ના ૭ સરકારી કર્મચારીઓ પકડાયા છે. સરકારી બાબુનાં વચેટીયાઓનો આંક તો ૧૦૦ ને પાર પહોંચ્યો છે. કુલ ૧૦૪ વચેટીયાઓ દબોચાયા છે.
ગુજરાતની લાંચ-રૂશ્ર્વત વિરોધી બ્યુરોએ આ વર્ષમાં ગૃહ વિભાગની અલગ અલગ સરકારી સંસ્થામાંથી ૬૬ લાંચની ફરીયાદ નોંધી છે જેમાં ૯૪ લાંચીયા અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા છે અને ૩૮,૦૭,૧૦૦ રૂપિયાની લાંચની રકમ પકડી પાડવામાં આવી છે. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસનાં વિભાગમાં ૩૫ ફરીયાદ નોંધવામાં આવી હતી અને ૪૬ સરકારી કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી અને ૧૪,૯૮,૫૨૦ ની લાંચની રકમ કબ્જે કરવામાં આવી છે.
મહેસુલ વિભાગમાં ૨૫ ફરીયાદ નોંધવામાં આવી છે. ૩૨ લાંચીયાની ધરપકડ કરી છે અને ૧૫,૭૦,૯૦૦ ની લાંચની રકમ કબ્જે કરી છે.સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણમાં માત્ર વર્ષ દરમ્યાન ૨ ફરીયાદ નોંધવામાં આવી છે અને ૩ ની ધરપકડ કરવામાં આવી છે.
માત્ર ૧૫,૦૦૦ ની રકમ જ કબ્જે કરવામાં આવી છે. શિક્ષણ વિભાગમાંથી ૮ ફરીયાદ નોંધીને ૯ લોકોની ધરપકડ કરીને ૨,૧૫,૪૦૦ ની રકમ કબ્જે કરી છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ ૨૦ ફરીયાદ નોંધી ૨૭ લાંચીયા કર્મચારીઓ પકડાયા અને ૯,૫૨,૦૦૦ ની લાંચની રકમ કબ્જે કરવામાં આવી છે.