ગુજરાતમાં એક દાયકામાં વરસાદની માત્રા ૧૧ ટકા વધી; સૌરાષ્ટ્ર – કચ્છમાં ૧૯ ટકા વૃદ્ધિ

ગુજરાતમાં કેટલાંક સ્થાનોએ અસામાન્ય વરસાદ વચ્ચે અમુક ભાગોમાં ખાધ રહી છે ત્યારે રાજયમાં વરસાદી પેટર્ન બદલાઈ ગઈ છે. છેલ્લા એક દાયકામાં રાજયમાં વરસાદની સરેરાશ માત્રામાં ૧૧ ટકાનો વધારો થયો છે.જયારે સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રમાણ ૧૯ ટકા વયુ છે. ભૂતકાળમાં કાયમી દુષ્કાળનો સામનો કરતા આ ક્ષેત્રમાં જુદા-જુદા જીલ્લાઓમાં વરસાદની માત્રા ૧૫થી૨૫ ટકા વધી ગઈ છે.

ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ કાર્યરત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા છેલ્લા એક દાયકાથી ચોમાસુ પેટર્નનુ વિશ્લેષણ કરીને રીપોર્ટ તૈયાર કર્યો છે. ૨૦૧૫ની સરખામણીએ ૨૦૨૪માં વરસાદની સરેરાશ માત્રા ૧૧ ટકા વધી હોવાનું તારણ નિકળ્યુ છે.૨૦૧૫માં રાજયમાં સરેરાશ ૭૯૭ મીમી વરસાદ વરસતો હતો તે ૨૦૨૪માં ૮૮૩ મીમી રહ્યો છે. ૩૦ વર્ષના વરસાદના આધારે વાષક સરેરાશ કાઢવામાં આવતી હોય છે જેથી છેલ્લા ત્રણ દાયકાથી વરસાદની માત્રામાં વધારો થતો હોવાનો નિષ્કર્ષ નિકળે છે.

૨૦૧૫ થી ૨૦૨૪ ના એક દાયકામાં કચ્છનો સરેરાશ વરસાદ ૩૮૭ મીમીથી વધીને ૪૮૫ મીમી થયો છે જે ૨૫ ટકાનો વધારો સુચવે છે. સૌરાષ્ટ્રમાં ૬૪૩ મીમીથી વધીને ૭૩૮ મીમી થયો છે તેમાં ૧૫ ટકાનો વધારો થયો છે. દક્ષિણ ગુજરાતનાં સરેરાશ વરસાદમાં ૧૦ ટકા, ઉતર ગુજરાતમાં ૮ ટકા તથા પૂર્વ-મધ્ય ગુજરાતમાં માત્ર ચાર ટકાનો વધારો છે.

ગુજરાત હવામાન વિભાગના વડા અશોકકુમાર દાસે કહ્યું કે, છેલ્લા દાયકાઓમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી પેટર્ન બદલાતી હોવાનું અનેક અભ્યાસોમાં તારણ નીકળ્યુ જ છે.ચાલુ વર્ષે એક સાથે અનેક સિસ્ટમ એકટીવ થઈ હતી તેના પરિણામે દેવભૂમિ દ્વારકામાં અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ થયો હતો.

જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સીટીનાં પ્રો.ડી.વી. કરૂના કહેવા પ્રમાણે વરસાદની તીવ્રતાની સાથોસાથ અનિયમીતતા પણ વધી છે. અમુક ભાગોમાં ઘણો વધુ વરસે છે. જયારે ઘણા કોરા રહી જાય છે. કૃષિક્ષેત્ર માટે વાવેતરનો અંદાજ બાંધવાનું મુશ્કેલ બન્યુ છે આજ કારણોસર અગાઉ કપાસનું વાવેતર કરનારા ખેડુતો હવે મગફળીનો પાક લેવા માંડયા છે.એક પોઝીટીવ બાબત એ પણ છે કે આખુ વર્ષ પાણી ઉપલબ્ધ થતાં અનેક ભાગોમાં ખેડુતોને ત્રણ-ત્રણ પાક લેવાની તક મળવા લાગી છે. ૧૯૯૦ ના દાયકામાં માત્ર એક પાક લઈ શકાયો હતો.

૨૦૧૦ ના દાયકામાં બે પાક મળતા થયા હતા. હવે ત્રણ પાક લઈ શકાય છે. વધુ વરસાદથી જળાશયો ભરેલા રહેતા ફાયદો થાય છે. અત્યારે મગફળી-સોયાબીન પછી શિયાળુમાં જીરૂ-ચણાના પાક લેવાય છે.

નિષ્ણાંતોએ એમ પણ કહ્યુ કે, નેગેટીવ બાબત એ છે કે વાવેતર પછી અતિભારે વરસાદથી ખેતરો-જમીનનુ ધોવાણ થઈ જવાના સંજોગોમાં ફેર વાવેતરનો બોજ આવી પડે છે.