ગુજરાતમાં ગરમી ફરી ગિયર બદલશે, તાપમાનમાં ૩ ડિગ્રીનો વધારો થશે

અમદાવાદ, હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી ગરમીની આગાહી કરી છે. તેમજ તાપમાનમાં પણ ૩ ડિગ્રીનો વધારો થશે. ત્યારે રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરને લઈ વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બનાસકાંઠા, ગીર સોમનાથમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. તેમજ ૧૬ મે એ બનાસકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ પવનની ગતિ ૫ થી ૧૦ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.

૧૫ મે ના રોજ બનાસકાંઠા ગીર સોમનાથમાં ગાજબીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી. તો ૧૬ મે એ માત્ર બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં આવતીકાલે અમુક વિસ્તારોમાં પડી શકે છે વરસાદ આ સાથે પવનની ગતિ ૫ થી ૧૦ કિલોમીટર પ્રતિ કલાકે ફુકાશે. ઉત્તર પશ્ર્ચિમ મધ્યપ્રદેશમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે વરસાદી માહોલ રહેશે. જ્યાં બે દિવસ બાદ રાજ્યમાં ફરી એક વખત તાપમાનમાં થશે વધારો. લગભગ બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધાતા લોકોને ગરમીનો અહેસાસ થશે.

સુરતમાં કમોસમી વરસાદથી ખેતીનાં પાકમાં મોટુ નુકશાન થવા પામ્યું છે. વરસાદને કારણે ડાંગરનો તૈયાર પાક પલળ્યો હતો. ખેતરમાં ખુલ્લામાં પડેલો ડાંગરનો તૈયાર પાક પલળ્યો હતો. ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન થયું હતું. ત્યારે સરકાર દ્વારા સર્વે કરી ઝડપથી સહાય ચૂકવે તેવી ખેડૂતોની માંગ છે.

અમરેલી જીલ્લામાં કમોસમી વરસાદથી નુકશાન થવા પામ્યું છે. ગઈકાલે વરસેલા વરસાદથી ખેતરમાં પાણી ભરાયા છે. સાવરકુંડલા પંથકમાં ભારે વરસાદથી ખેતી પાકને નુકશાન થવા પામ્યું છે. સાવરકુંડલાનાં ઓળીયા ગામે કમોસમી વરસાદે ખેડૂતોને નુકશાન થવા પામ્યું છે. તલ, બાજરી, જાર અને ડુંગળીનાં પાકને નુકશાન થવા પામ્યું છે. જાર અને ડુંગળી વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.