ગુજરાતમાં દારૂબંધી છે અને છાશવારે આપણે પોલીસે બુટલેગરની ધરપકડ કરી હોવાના સમાચાર સાંભળતા હોઈએ છીએ અથવા તો આટલા કરોડનો દારૂ પકડાયો હોય તેમ સાંભળીએ છીએ. પણ ડ્રાય સ્ટેટમાં છેલ્લા ત્રણ વર્ષમાં દારૂના વેચાણ દ્વારા જ રાજ્ય સરકારને ૨૦૦ કરોડ રૂપિયાની આવક થઈ છે.
સરકારને સત્તાવાર રીતે દારૂ વેચવાથી આટલી આવક થતી હોય તો બુટલેગરોને કેટલી કમાણી થતી હશે તે સમજો અને તે પણ હપ્તો આપ્યા પછી. હવે જ્યારે બુટલેગરો જાણે કે સરકાર પોતે દારૂના વેચાણ થકી આટલી કમાણી કરે છે તો તેને એમ જ થાયને કે સરકાર કરે તો રાસલીલા અને મેં કરુ તો કેરેક્ટર ઢીલા જેવી આ વાત થઈ.
રાજ્ય સરકારે ૨૦૨૦-૨૧માં દારૂના વેચાણ દ્વારા ૫૧.૮૪ કરોડ અને ૨૦૨૨-૨૩માં ૭૮.૧૪ કરોડ રૂપિયાની આવક કરી. તેથી હવે આગામી નાણાકીય વર્ષમાં સરકાર દારૂના વેચાણમાંથી ૧૦૦ કરોડની આવક વટાવી જાય તો આશ્ર્ચર્ય નહીં થાય.
આ આવક તો ફક્ત દારૂના વેચાણથી થઈ. સરકાર દારૂના નવા લાઇસન્સ આપીને અને જૂના લાઇસન્સ રીન્યુ કરીને પણ ધીક્તી કમાણી કરે છે. છેલ્લા ત્રણ વર્ષમાં દારૂના નવા પરવાના હેઠળ રાજ્ય સરકારને લગભગ નવ કરોડ અને પરવાના રીન્યુ કરવા બદલ લગભગ ૩૦ કરોડ રૂપિયાની આવક થઈ છે.
ગુજરાત જેવા ડ્રાય સ્ટેટમાં પણ લગભગ ૪૦ હજાર લોકો પાસે દારૂની પરમીટ હોવાનું સામે આવ્યું છે. વિધાનસભામાં કોંગ્રેસના વિધાનસભ્ય દિનેશ ઠાકોરે પૂછેલા સવાલના જવાબમાં સરકારે આ જવાબ આપ્યો હતો. આમ દારૂ પીવાના લાઇસન્સ દ્વારા જ સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં ૩૮.૫૬ કરોડની આવક કરી છે.