અમદાવાદ, ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટ જેએન.૧એ કહેર મચાવવાનો શરુ કરી દીધો છે.તો હવે ગુજરાતમાં પણ કોરોનાના કેસ નોંધાવાના શરુ થઇ ગયા છે.ગુજરાતમાં કોરોનાની ફરીથી એન્ટ્રીને લઈ સરકારે મોટું નિવેદન આપ્યુ છે. ગુજરાતમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ ૧૩ સુધી પહોંચ્યા છે જેને લઈ આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.
પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોનાના નવા વેરિયન્ટ જેએન.૧નો ગઇકાલે એક કેસ નોંધાયો હતો, હવે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. ગઇકાલે અમદાવાદના ૭ કેસ સામે આવ્યા બાદ હવે રાજકોટમાં પણ કોરોનાનો કેસ નોંધાયો છે. રાજકોટમાં ૨ મહિના બાદ કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે. અગાઉ ૨૨ ઓક્ટોબરે કોરોનાનો કેસ નોંધાયો હતો .
રાજકોટમાં અક્ષરમાર્ગ પર રહેતી ૫૨ વર્ષીય મહિલા કોરોના પોઝિટિવ આવી છે. મહિલાને તાવ અને શરદીના લક્ષણ થયા બાદ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. પોઝિટિવ આવ્યા બાદ મહિલાને હોમ આઇસોલેટ કરવામાં આવી છે. હાલ તો મહિલાની કોઇ પણ ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી નથી.ગુજરાતમાં ફરી કોરોનાની એન્ટ્રીથી ફફડાટ ફેલાયો છે. દક્ષિણ ભારતમાં પ્રવાસ કરીને આવેલી ૨ મહિલાઓ કોરોનાથી સંક્રમિત હોવાનું સામે આવ્યુ છે. જો કે રાહતની વાત એ છે કે કોરોનાના લક્ષણ ખુબ જ સામાન્ય છે. છતાં જેવી રીતે દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. તેના કારણે ગુજરાત સરકાર પણ એક્શનમાં છે.
કેન્દ્રીય આરોગ્ય પ્રધાને વીડિયો કોન્ફરન્સ યોજી દરેક રાજ્યને મદદની ખાતરી આપતાં કહ્યું કે કોરોના મુદ્દે આપણે સતર્ક રહેવાનું છે, ગભરાવવાની જરૂર નથી, કેમકે એક્ટિવ કેસોના વેરિયન્ટ ખૂબ જ માઈલ્ડ છે.હાલ તો રાહતની વાત એ છે નવા વેરિયન્ટમાં લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી પડી રહી, એટલે વધુ ચિંતા કરવાની જરુર નથી.