ગુજરાતમાં કોંગ્રેસે સત્તા પરિવર્તન માટે કમર ક્સી લીધી છે.

ગુજરાતમાં કોંગ્રેસે સત્તા પરિવર્તન માટે કમર ક્સી લીધી છે. આગામી વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીઓને ઓપ આપવા ગુજરાત કોંગ્રેસ તેના માળખામાં ધરમૂળથી ફેરફાર કરી શકે છે. આના પગલે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં સત્તા પરિવર્તન કરવા માટે ગુજરાતનો હવાલો કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને સોંપે તેવી પૂરેપૂરી સંભાવના છે.

ગુજરાત લોક્સભાની ચૂટણીમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિહ ગોહિલ અને પ્રભારી મુકુલ વાસનિકની આગેવાનીમાં કોંગ્રેસ એક બેઠક તો જીતી પણ આ સાથે ભાજપને પણ ૫ લાખની લીડથી વંચિત રાખવામાં સફળ રહી હતી. આ પછી ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણી પણ જીતી શકાય છે તેવા વિશ્ર્વાસનો સંચાર કોંગ્રેસમાં થયો છે.

આવા સંજોગોમાં વર્ષ ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીને લક્ષ્યમાં રાખીને ગુજરાત કોંગ્રેસમાં ધરમૂળમાંથી ફેરફાર કરવા માટે રાષ્ટ્રીય કોંગ્રેસ આગળ વધી રહ્યું છે. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે હવે ગુજરાતમાંથી મુક્ત કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.આથી તેમને ગુજરાતને બદલે હરિયાણાના પ્રભારી બનાવાય તેવી શકયતા છે. હરિયાણા કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલની પ્રભારી તરીકેની માગ કરી હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, મારી ઇચ્છા ચાલતી નથી, હું પાર્ટીનો સૈનિક છું.અગાઉ મને બિહારના પ્રભારી બનાવ્યો હતો, સાથે દિલ્હીનો પણ પ્રભારી બનાવ્યો તો તે જવાબદારી પણ મે સ્વીકારી હતી. આ પછી ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે આવવાની મને ઇચ્છા ન હતી, છતા પાર્ટીએ કહ્યું એટલે હું આવ્યો, પાર્ટીનો સૈનિક છું,પાર્ટી જે આદેશ આપશે તે નીભાવીશ તેમ ગોહિલે અંતમાં કહ્યું હતું. તેમણે ગુજરાતમાંથી મુક્ત થવા બાબતે કોઇ સ્પષ્ટ ઉત્તર આપ્યો ન હતો,પણ અગાઉ પણ તેમણે પોતે ગુજરાતના હોવાથી ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે જવાની અનિચ્છા વ્યક્ત કરી હતી.

પ્રદેશ કોંગ્રેસે લોક્સભાની ચૂંટણીમાં ભાજપની ૨૬ બેઠકોમાંથી ૨૬ બેઠકની હેટ્રિકને રોકી છે ત્યારે ગુજરાતમાં સત્તા પરિવર્તન થઇ શકે છે તેવો વિશ્ર્વાસ કોંગ્રેસને આવી ગયો છે. આથી રાહુલ ગાંધીએ પણ સાંસદમાં અને પછી ગુજરાતમાં પણ કહ્યું હતું કે, ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીમાં કોગ્રેસ ગઠબંધન ગુજરાતમાં ભાજપને હરાવશે. આ માનસિક્તા સાથે જ કોંગ્રેસ ગુજરાતમા મોટાપાયે ફેરફાર લાવી રહીં છે તેમ કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે.