ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થતાં જ આચાર સંહિતાનો સખતાઈથી અમલ

દાહોદ,
ચૂંટણી પંચ દ્વારા આજે તારીખ 3 જી નવેમ્બર ના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરાતા જ ગુજરાતમાં આચારસંહિતાનો અમલ સખ્તાઈથી લાગુ કરાતા બદલીઓના દોર પર બ્રેક લાગી ગઈ છે. સાથે સાથે છેલ્લા કેટલાય સમયથી ગુજરાત સરકાર દ્વારા રોજેરોજ યોજાતા ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણના કાર્યક્રમ પર પણ બ્રેક લાગી જતા આવા લોકાર્પણ તેમજ ખાતમુર્હતના રોજે રોજ યોજાતા કાર્યક્રમો બંધ થઈ જતા મને કે કમને પણ પોતાની નૈતિકતાપૂર્વક ફરજ બજાવતા પોલીસ કર્મીઓએ હાશકારો અનુભવ્યો છે. ત્યારે બીજી તરફ આચારસંહિતાના અમલના ભાગરૂપે દિપાવલી -નૂતન વર્ષની શુભેચ્છા પાઠવતા તમામ રાજકીય પક્ષના નેતાઓના ભીમકાય હોર્ડિંગો ઉતારવાની પ્રક્રિયા વહીવટી તંત્ર દ્વારા આજથી જ આરંભી દેવામાં આવી છે. પરંતુ રાજકીય પક્ષોના ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ જ આયારામ ગયારામની પ્રવૃત્તિ તેજ બનતા ચૂંટણીના સમીકરણો ચોક્કસપણે બદલાશે. ત્યારે જ ચૂંટણીનો માહોલ જામશે તેવું મનાઈ રહ્યું છે.