જૌનપુર, ઉત્તર પ્રદેશ સરકારે આઇએએસ ઓફિસર અભિષેક સિંહનું રાજીનામું સ્વીકારી લીધું છે. તેઓ લાંબી રજાના કારણે ૨૦૨૩ની ફેબ્રુઆરીથી સસ્પેન્શન હેઠળ હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ કેન્દ્ર સરકારે પણ અભિષેક સિંહના રાજીનામાનો સ્વીકાર કર્યો હતો.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અભિષેક સિંહ જૌનપુરથી લોક્સભા ચૂંટણી ૨૦૨૪ લડી શકે છે. અભિષેક સિંહ છેલ્લા ઘણા મહિનાઓથી જૌનપુરમાં સામાજિક અને રાજકીય રીતે સક્રિય છે. તેમણે આ મહિનામાં જૌનપુરના લોકો માટે અયોયા ધામ જવા માટે ફ્રિ યાત્રા શરૂ કરી હતી, જેના દ્વારા દરરોજ લગભગ ૫ બસો અયોધ્યા જશે અને સાંજે શ્રદ્ધાળુઓને જૌનપુર પહોંચાડશે. અભિષેક સિંહે આ બસોને જૌનપુર નિષાદ રથ નામ આપ્યું છે. નોંધનીય છે કે અભિષેક સિંહ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર અવારનવાર રાજકારણીઓ અને ફિલ્મ સ્ટાર્સ સાથેની તસવીરો શેર કરે છે.
અભિષેક સિંહને ૨૦૧૫માં ત્રણ વર્ષ માટે ડેપ્યુટેશન પર દિલ્હી મોકલવામાં આવ્યા હતા. જે પછી વર્ષ ૨૦૧૮માં તેમનો સમયગાળો બે વર્ષ માટે લંબાવવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે અભિષેક સિંહ તબીબી રજા પર જતાં રહ્યા હતા. આ પછી દિલ્હી સરકારે અભિષેક સિંહને મૂળ કેડર યુપી મોકલ્યા હતા. લાંબા સમયની રજા બાદ તેઓ ૨૦૨૨ની ૩૦મી જૂને ફરજ પર જોડાયા હતા. અભિષેક સિંહને ૨૦૨૨માં ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા નિરીક્ષક બનાવ્યા હતા. આ દરમિયાન તેણે સરકારી કારની સામે પોતાનો ફોટો ક્લિક કરાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. ચૂંટણી પંચે આને અનુશાસનહીન ગણાવ્યું હતું અને ૨૦૨૨ની ૧૮મી નવેમ્બરે તેમને નિરીક્ષકની ફરજ પરથી હટાવી દીધા હતા. આ પછી તેઓ ઉત્તર પ્રદેશ પરત ફર્યા હતા.