- એક તરફ ગુજરાત જ્યાં સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યો છે ત્યાં વ્યાજખોરોનો આતંક પણ વધી રહ્યો છે.
અમદાવાદ,
વ્યાજખોરો સામે ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. રાજ્ય સરકારે કડક નિયમો બનાવ્યા છે, તેની સામે જોઈએ તો વ્યાજખોરીનું વૃક્ષ હવે વટવૃક્ષ બની ગયું છે. જેને સહેલાઈથી કાબૂમાં લેવું સરકાર માટે પણ આસાન નથી. ગુજરાત સરકાર દ્વારા આગામી ૧૦૦ દિવસમાં ગેરકાયદે વ્યાજ વસુલતા વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે. પરંતુ હકીક્ત એ છે કે, ત્યા સુધી કેટલાય લોકો આત્મહત્યા કરી ચૂક્યા છે. દેવું-વ્યાજના ખપ્પરમાં આત્મહત્યા કરનારાના પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં દેવાના બોજને કારણે ૫૧૨ વ્યક્તિએ આત્મહત્યા કરી છે. જેના પગલે સરકાર હવે કાયદેસરની કાર્યવાહી કરવાના મૂડમાં છે. વ્યાજખોરો વ્યાજનું વ્યાજ લઈને મૂળ મૂડી કરતાં અનેકઘણી રકમ પડાવી લેતા હોય છે આમ છતાં એમની મૂળ રકમ તો ઉભી જ હોય છે. આમ વ્યાજે લેનાર વ્યાજ ભરીને થાકી જાય પણ એ રૂપિયા ઘટતા નથી. આમ આખરે આત્મહત્યા કરી લે છે. આ પ્રકારના કેસો વધતા સરકાર એક્ટિવ થઈ છે.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના અહેવાલ પ્રમાણે વર્ષ ૨૦૧૭માં ૭૪ પુરુષ-૮ મહિલા એમ ૮૨ વ્યક્તિએ દેવાના બોજને લીધે આત્મહત્યા કરી હતી. દેવાના બોજને લીધે આત્મહત્યા કરનારાઓનું પ્રમાણ ૨૦૨૧માં વધીને ૧૫૮ થઇ ગયું છે. આમ, પાંચ વર્ષમાં દેવાના બોજને લીધે આત્મહત્યા કરનારાના પ્રમાણમાં ૯૦ ટકાથી વધુનો વધારો થયો છે. વર્ષ ૨૦૨૧માં દેવાના બોજને લીધે સૌથી વધુ લોકોએ આત્મહત્યા કરી હોય તેમાં મહારાષ્ટ્ર (૧૫૩૫) સાથે મોખરે, તેલંગાણા (૧૩૮૫) સાથે બીજા, કર્ણાટક (૧૨૭૭) સાથે ત્રીજા જ્યારે ગુજરાત સાતમાં સ્થાને છે.
ખાલી ગુજરાતના શહેરોની વાત કરીએ તો મોટા શહેરોમાં આ ચૂંગાલ જબરદસ્ત પથરાયેલી છે. વર્ષ ૨૦૨૧માં મોટા શહેરમાં દેવાના બોજ-નાદારીને લીધે વડોદરામાંથી સૌથી વધુ ૭, અમદાવાદમાંથી ૩ વ્યક્તિએ આત્મહત્યા કરી છે. જ્યારે રાજકોટ-સુરતમાં દેવાને લીધે એકપણ વ્યક્તિએ આત્મહત્યા નહીં કરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર દેશમાં વર્ષ ૨૦૨૧માં દેવાને લીધે કુલ ૬૩૬૧ વ્યક્તિએ આત્મહત્યા કરી છે.
રાજ્યમાં બેફામ બનેલા વ્યાજખોરોની હવે ખેર નથી. સરકારે આવા તત્વો સામે કાર્યવાહી માટે કમર ક્સી છે. પોલીસ એક સપ્તાહ માટે વ્યાજખોરો સામે રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરી રહી છે. જેના ભાગરૂપે પોલીસ સામે ચાલીને ફરિયાદીઓ પાસે જશે. વ્યાજખોરો સામે ફરિયાદ કરવા સરકારે લોકોને અપીલ પણ કરી છે. વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઈને અનેક પરિવારો બરબાદ થઈ ચૂક્યા છે. આ અસામાજિક તત્વોના આતંકથી કંટાળીને ઘણા લોકોએ પોતાનું જીવન પણ ટૂંકાવ્યું છે. જો કે હવે મોડે મોડેથી પણ તંત્ર જાગ્યું છે. રાજ્ય સરકારે વ્યાજખોરો સામે કાર્યવાહી માટે ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશને સરકારે પોતાના પ્રથમ ૧૦૦ દિવસના એેજન્ડામાં પણ સામેલ કરી છે.