ગાંધીનગર, ગુજરાતમાં આરોગ્યને ધ્યાનમાં રાખીને દારૂ ખરીદવાની મંજૂરી આપતા લોકોની સંખ્યામાં ત્રણ વર્ષમાં ૫૮ ટકાનો વધારો થયો છે. રાજ્યના નશાબંધી અને આબકારી વિભાગના ડેટા પરથી આ માહિતી મળી છે. ડેટા અનુસાર, ગુજરાતમાં હવે ૪૩,૪૭૦ પરમિટ ધારકો છે, જે નવેમ્બર ૨૦૨૦ માં ૨૭,૪૫૨ દારૂ પરમિટ ધારકો હતા. રિન્યુઅલમાં બેકલોગની સંખ્યા ઘટી છે અને નવી અરજીઓ પર પણ ઝડપથી પ્રક્રિયા કરવામાં આવી રહી છે, જેનાથી રાજ્યમાં દારૂના વેચાણમાં પણ વધારો થયો છે.
રાજ્યની વસ્તી આશરે ૬.૭ કરોડ હોવાનો અંદાજ છે. નશાબંધી વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે લોકોને આરોગ્યના કારણોસર દારૂ ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે, વિદેશી નાગરિકો અને અન્ય રાજ્યોના લોકો સિવાય કે જેમને તેમની ગુજરાતની મુલાકાત દરમિયાન મહત્તમ એક અઠવાડિયા સુધી દારૂ ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે. માહિતી અનુસાર, અમદાવાદ જિલ્લો ૧૩,૪૫૬ દારૂની પરમિટ સાથે ટોચ પર છે, ત્યારબાદ સુરત (૯,૨૩૮), રાજકોટ (૪,૫૦૨), વડોદરા (૨,૭૪૩), જામનગર (૨,૦૩૯), ગાંધીનગર (૧,૮૫૧) અને પોરબંદર (૧,૭૦૦) છે.
સુત્રોના જણાવ્યા મુજબ અનિદ્રા, ચિંતા અને હાયપરટેન્શનની વધતી જતી ઘટનાઓને કારણે ૪૦ વર્ષથી વધુ ઉંમરના લોકો દારૂની હેલ્થ પરમિટ માટે અરજી કરી રહ્યા છે. રાજ્યના પ્રોહીબીશન અને આબકારી વિભાગે પણ દારૂની પરમિટની અરજીઓને ઝડપથી ક્લીયર કરી રહી છે. પરિણામે સંખ્યા વધી રહી છે.
પરમિટ ધારકોની સંખ્યા વધવા સાથે, દારુનું વેચાણ પણ વધી રહ્યું છે. વેચાણમાં વૃદ્ધિમાં ફાળો આપનાર મુખ્ય પરિબળ વિઝિટર પરમિટ છે. આ વખતે, વિઝિટર પરમિટમાં ૩૦%નો વધારો થયો છે, જેનું મુખ્ય કારણ વર્લ્ડ કપ ક્રિકેટ છે આ ઉપરાંત ગુજરાતમાં યોજાયેલી જી૨૦ ઇવેન્ટ્સને કારણે પણ દારૂના વેચાણમાં વધારો થયો છે.
અન્ય માહિતી અનુસાર, ગુજરાતમાં ૭૭ હોટેલોને પરમિટ ધારકો તેમજ દેશના અન્ય ભાગો અથવા વિદેશમાંથી રાજ્યની મુલાકાતે આવતા લોકોને દારૂ વેચવા માટેનું લાઇસન્સ આપવામાં આવ્યું છે. વિભાગ દ્વારા વ્યક્તિઓને દારૂની પરમિટ ત્યારે જ આપવામાં આવે છે જ્યારે પ્રાદેશિક મેડિકલ બોર્ડ અરજદારના સ્વાસ્થ્ય માટે દારૂનું સેવન જરૂરી હોવાનું જાહેર કરતું પ્રમાણપત્ર જારી કરે છે.