ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨ તાલુકામાં વરસાદ, વલસાડના ઉમરગામમાં સૌથી વધુ

રાજ્યમાં ધીમીગતિએ વરસાદની શરૂઆત થઈ રહી છે. વરસાદી માહોલ છવાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જેથી લોકોએ કંઈક અંશે ગરમીથી રાહત મેળવી હતી. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યનાં ૧૨ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. જેમાં વલસાડ જીલ્લાનાં ઉંમરગામ તાલુકામાં ૧ ઈંચ. પંચમહાલ જીલ્લાનાં મોરવાહડફ તાલુકામાં ૧ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે રાજ્યનાં ૧૦ તાલુકાઓમાં ૨ એમએમથી ૨૧ એમએમ સુધીનો વરસાદ પડ્યો હતો.

ઉંમરગામમાં ૨૬ મીમી, મોરવા હડફ ૨૫ મીમી, ખાનુર ૨૧, શહેરા ૧૮, જંબુઘાડો ૧૨, લીમખેડ ૧૨, સંતરામપુર ૧૨, સાંતલુરમાં ૧૦, વીરપુરમાં ૧૦, નસવાડીમાં ૭, દેવગઢબારીયા ૬, સિંગવાદમાં ૫, કપરાડામાં ૩, પરડીમાં ૨, નૈઝરમાં ૨ મીમી વરસાદ નોંધાવા પામ્યો હતો.

મહિસાગર જીલ્લામાં પણ ભારે ઉકળાટ બાદ મોડી રાત્રે વરસાદી માહોલ છવાયો હતો. મહિસાગર જીલ્લાનાં લુણાવાડા, કડાણા, સંતરામપુર તેમજ રાજસ્થાનનાં સરહદી વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. તો કડાણા તાલુકામાં વીજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ પડતા મોટા મીરાપુરા ગામે વીજળી પડતા બે પશુઓનાં મોત નિપજ્યા હતા. મકાન પાસે બાંધેલા બે પશુઓ ઉપર વીજળી પડતા પશુઓનાં મોત નિપજ્યા હતા. રાત્રી દરમ્યાન મહીસાગર જીલ્લાનાં કડાણા અને સંતરામપુર અને લુણાવાડા તાલુકામાં વરસાદ વરસ્યો હતો. તેમજ મોડી રાત્રે વીજળી પડતા બે પશુઓનાં મોત નિપજ્યા હતા. મોટી કોઈ દુર્ઘટનાં સર્જાવા પામી ન હતી.

પંચમહાલ જીલ્લાનાં ચેરાપુંજી માનવામાં આવતા જાંબુઘોડામાં મધરાત્રે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. મોડી રાત્રે ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થતા માર્ગો પાણી પાણી થઈ જવા પામ્યા હતા. તે વરસાદી માહોલ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જેથી લોકોએ ગરમીથા રાહત અનુભવી હતી.