ગુજરાતમાં ચાંદીપૂરા રોગચાલો કહેર વર્તાવી રહ્યો છે. ત્યારે આ મામલે આરોગ્ય મંત્રી ૠષિકેશ પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. રાજ્યમાં કુલ ૧૩૩ કેસ નોંધાયા છે, જેમાંથી ૧૨૪ દર્દી ગુજરાતના અને અન્ય રાજ્યના ૯ દર્દી છે. અત્યારસુધી રાજ્યમાં ચાંદીપૂરા રોગના ૩૭ પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજ્યમાં અત્યારસુધી કુલ ૪૪ બાળકોના મૃત્યુ થયા છે, પરંતુ ૨૬ બાળકોને સફળતાપૂર્વક સારવાર આપીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં ૫૪ બાળકો સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગની સાથે વહીવટી વિભાગ પણ આ રોગચાળા સામેની લડતમાં સતત કામ કરી રહ્યો છે. રાજ્યના જિલ્લા તંત્ર અને મ્યુનિસિપલ કમિશનરે સાથે મળી આ રોગચાળાની સ્થિતિને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો છે.
ચાંદીપૂરા રોગચાળાના નિયંત્રણ માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેલીથીઓન પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો છે. અત્યારસુધી ૪ લાખ જેટલી કાચા ઘરોમાં દવાનો પાવડર છાંટવામાં આવ્યો છે. ૧૯૮૬૨ શાળાઓમાં અને ૧૬૨૪ સ્કૂલોમાં પણ સ્પ્રે કરીને દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૨૧૬૦૮ આંગણવાડીમાં સ્પ્રે કરીને દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. આ તમામ પ્રયાસોના પરિણામો હવે દેખાઈ રહ્યા છે.
રાજ્યના આરોગ્ય મંત્રી ૠષિકેશ પટેલે જણાવ્યું છે કે, “આ રોગચાળાને કાબુમાં લેવા માટે આરોગ્ય વિભાગ અને વહીવટી વિભાગ સતત સાથે મળી કાર્યરત છે. દવા અને પાવડરના છંટકાવ દ્વારા આપણે આ રોગચાળાને રોકવા માટેના તમામ પ્રયાસો કરી રહ્યા છીએ.આરોગ્ય વિભાગે રાજ્યમાં ૨૭૦૦ જેટલા બોનેડેડ ડોકટરોને તૈનાત કરીને રોગચાળાના નિયંત્રણ માટેની કામગીરી તેજ કરી છે. ગુજરાતમાં આરોગ્ય વિભાગ અને વહીવટી વિભાગના સહયોગથી ચાંદીપૂરા રોગચાળાને કાબુમાં લેવા માટેના સતત પ્રયાસો ચાલી રહ્યા છે.
ગુજરાતના લોકો માટે સારા સમાચાર એ છે કે આરોગ્ય વિભાગના પ્રચંડ પ્રયાસોથી ૨૬ લોકોને સફળતાપૂર્વક ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રીએ રાજ્યની જનતાને આ રોગચાળા અંગે સાવચેત રહેવા અને આરોગ્ય વિભાગના સૂચનોને પાલન કરવાની અપીલ કરી છે. અમે આ રોગચાળાને પૂર્ણત: કાબુમાં લેવા માટે પ્રતિબદ્ધ છીએ,” આ નિવેદન દ્વારા આરોગ્ય મંત્રીએ જાહેર જનતાને આશ્ર્વાસન આપ્યું છે કે સરકાર તમામ જરૂરી પગલાં લઈ રહી છે અને લોકોને સુરક્ષિત રાખવા માટે પ્રદાન થતી તમામ સેવાઓ ઉપલબ્ધ કરાવી રહી છે.