ગુજરાતમાં બિશ્ર્નોઈ ગેંગનો પગપેસારો: ૯૦૦ પેટી દારૂ સાથે નામચીન બૂટલેગર સહિત પાંચ પકડાયા

રાજકોટ,રાજસ્થાનની નામચીન બિશ્ર્નોઈ ગેંગ ગુજરાતમાં પણ ઘૂસણખોરી કરવા માટે પ્રયાસો કરી રહી હોવાનું અનેકવખત સામે આવી ચૂક્યું છે. બીજી બાજુ આ ગેંગ ગુજરાતમાં દારૂનો મોટાપાયે વેપલો કરવા માટે પૂરી તાકાત લગાવી રહી હોવાનું ધ્યાન પર આવતાં જ પોલીસે એલર્ટ થઈને ખાસ વોચ રાખવાનું શરૂ કર્યું છે જેના પરિણામે વડોદરાના વડસર બ્રિજ પાસેથી બિશ્ર્નોઈ ગેંગના ચાર લોકો ૯૦૦ પેટી દારૂ સાથે પકડાયા છે. આ ચાર લોકોમાં નામચીન બૂટલેગર ઘેવરચંદ બિશ્ર્નોઈનો પણ સમાવેશ થાય છે.

વડોદરા પીસીએ કન્ટેનર અને ટેમ્પોમાં મહારાષ્ટ્રથી લાવવામાં આવતો ૯૦૦ પેટી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. આ ઉપરાંત પોલીસે બૂટલેગરોના ભાયલી ખાતે આવેલા ગોડાઉનમાં પણ દરોડો પાડ્યો હતો. આ દારૂ વડોદરા શહેર-જિલ્લાના નાના-મોટા બૂટલેગરોને પહોંચાડવાનો હતો તે પહેલાં જ તે પોલીસે ઝડપી લીધો છે. પોલીસ દ્વારા એક મહિનાથી આ નેટવર્કને ભેદવા માટે પ્રયત્નો ચાલી રહ્યા હતા. આ સાથે જ મય ગુજરાત વિસ્તારમાં દારૂની નેટવર્ક સંભાળનાર મુખ્ય સૂત્રધાર ઘેવરચંદને ઝડપી લેવામાં સફળતા મળી છે.

અત્યંત ગુપચુપ રીતે દારૂનો મોટો જથ્થો ઉતારવામાં પાવરધી બિશ્ર્નોઈ ગેંગનો પીછો છેલ્લા એક મહિનાથી પીસીબી દ્વારા કરવામાં આવી રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ બિશ્ર્નોઈ ગેંગના સૂત્રધારે ગુજરાતમાં પગપેસારો કરવાની જાહેરાત કરી હતી જેને લઈને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. પોલીસે અંદાજે ૪૫ લાખની કિંમતના ૯૦૦ પેટી દારૂ સાથે મોડારામ પાતાજી દેવાસી (રહે.ભાયલી), શ્રવણ કિશનારામ બિશ્ર્નોઈ (રહે.સાંગવડા-રાજસ્થાન), વરચંદ ભગીરથરામ બિશ્ર્નોઈ (રહે.ભાયલી) અને પૂનમારામ ગીગારામ દેવાસી (રહે.ભાયલી) સહિત પાંચને પકડી લીધા છે. આ સાથે જ નારાયણ ઉર્ફે નરેશ ભારમલ બિશ્ર્નોઈ, અશોક પુનારામ બિશ્ર્નોઈ, સુરેશ કેશારામ બિશ્ર્નોઈ, રાજુરામ ખેરાજરામ ઉર્ફે ખેજીરામ, નિલેશ ઉર્ફે નિલુ ઉર્ફે ભાઈજી હરેશ નાથાણીને ફરાર જાહેર કરવામાં આવ્યા છે. બિશ્ર્નોઈ ગેંગનો મુખ્ય કુખ્યાત બૂટલેગર ઘેવરચંદ ભાગીરથરામ બિશ્ર્નોઈ વિરુદ્ધ વડોદરા સહિત અનેક શહેરોમાં ગુના નોંધાયેલા છે. આ પહેલાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પકડવામાં આવેલા દારૂના જથ્થામાં પણ ઘેવરચંદનું નામ ખુલ્યું છે. પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવે છે અને જેવા તેને જામીન મળે એટલે તે ફરી દારૂની હેરાફેરીમાં લાગી જતો હોવાનું ખુલ્યું છે.