ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસના ૪૯માંથી ૪૫ ઉમેદવાર કરોડપતિ, પુનમ માડમ પાસે સૌથી વધુ સંપત્તિ

અમદાવાદ, દેશમાં બે તબક્કાનું મતદાન થઈ ગયું છે અને હવે ૭ મેએ ત્રીજા તબક્કામાં ૮૮ સીટો પર મતદાન થવાનું છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની ૨૬ લોક્સભા સીટો પર પણ મતદાન થશે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય મુકાબલો થવાનો છે. જ્યારે બે બેઠકો પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહી છે. ગુજરાતના ઉમેદવાર પર એડીઆરનો રિપોર્ટ આવી ગયો છે. આ રિપોર્ટમાં ઉમેદવારો પર કેસ, સંપત્તિ સહિત અન્ય વિગતોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ત્રીજા તબક્કામાં ૭ મેએ મતદાન થશે. ઉમેદવારી ફોર્મ ભરવાની સમગ્ર પ્રક્રિયા બાદ હવે એડીઆર દ્વારા ઉમેદવારોના એફિડેવિટનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. એડીઆરના રિપોર્ટ પ્રમાણે ગુજરાત ભાજપના ૨૬માંથી ૨૪ ઉમેદવારો કરોડપતિ છે. જ્યારે કોંગ્રેસના ૨૩ ઉમેદવારોમાંથી ૨૧ ઉમેદવારો કરોડપતિ છે. ગુજરાતમાં સૌથી વધુ સંપત્તિ ધરાવતા ટોપ-૩ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના છે.

એડીઆરના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં જામનગરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુનમ માડમ પાસે સૌથી વધુ સંપત્તિ છે. પુનમ માડમ પાસે ૧૪૭ કરોડ રૂપિયાની સંપત્તિ છે. ત્યારબાદ બીજા નંબર પર અમિત શાહ છે. અમિત શાહ પાસે ૬૫ કરોડ રૂપિયાની સંપત્તિ છે. આ યાદીમાં ત્રીજું નામ ભાજપના અયક્ષ સીઆર પાટિલનું છા. સીઆર પાટિલ પાસે ૩૯ કરોડ રૂપિયાની સંપત્તિ છે.

જે ઉમેદવાર પર સૌથી વધુ દેવું હોય તેની વાત કરવામાં આવે તો જામનગરના ઉમેદવાર પુનમ માડમ તેમાં પણ પ્રથમ સ્થાને છે. પુનમ માડમ પર કુલ ૫૩ કરોડ રૂપિયાનું દેવું છે. ત્યારબાદ કોંગ્રેસના ચંદનજી ઠાકોર પાસે નવ કરોડ રૂપિયાનું દેવું છે. જ્યારે જેની ઠુંમર પર ૩ કરોડ રૂપિયાનું દેવું છે.

એડીઆરના રિપોર્ટમાં જે ઉમેદવારો પર કેસ નોંધાયેલા છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભરૂચથી લોક્સભાના ઉમેદવાર અને આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાની ઉપર ૧૩ કેસ નોંધાયેલા છે. આ સિવાય અનંત પટેલ પર ચાર કેસ, અમિત શાહ પર ૩ કેસ, હીરાભાઈ જોટવા પર ૨ કેસ, દિલીપ વસાવા પર ૧ કેસ, આ સિવાય રાજેશ ચુડાસમા, ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર, સુખારામ રાઠવા, જશુભાઈ રાઠવા પર એક-એક કેસ છે.