
- વિદેશ મંત્રી એસ.જયશંકર, જુગલ ઠાકોર, દિનેશ અનાવડીયાની ટર્મ પૂર્ણ થવાની છે.
અમદાવાદ, ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં યોજાશે રાજ્ય સભાની ચૂંટણી યોજાવાની સંભાવના છે. કેન્દ્રીય ચૂંટણી પંચે જે રાજ્યોમાં રાજ્યસભાના સભ્યોની ટર્મ પૂર્ણ થાય છે તે રાજ્યોને પત્ર લખ્યો છે. ગુજરાતમાં રાજ્યસભાની ૩ બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. વિદેશ મંત્રી એસ.જયશંકર, જુગલ ઠાકોર, દિનેશ અનાવડીયાની ટર્મ પૂર્ણ થવાની છે. ત્યારે આ વખતે પણ ૩ બેઠકો પર ભાજપનું પ્રતિનિધિત્વ થશે.
રાજ્યસભાની ૬ વર્ષની ટર્મ પુરી થઇ રહી છે. ૧૮ ઓગસ્ટે આ ટર્મ પુરી થવા જઇ રહી છે. તેની પહેલા ગત સપ્તાહે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના તમામ રાજ્યો કે જ્યાં જ્યાં રાજ્યસભાની ટર્મ પુરી થઇ રહી છે ત્યાં ચૂંટણીને લઇને જે નોડેલ ઓફિસર, ચૂંટણી અધિકારીની નિમણૂક કરવા માટેનો પત્ર લખવામાં આવ્યો છે.જો ગુજરાતની વાત કરવામાં આવે તો ભૂતકાળમાં આ ત્રણેય બેઠક ભાજપ પાસે હતી. હાલમાં એસ. જયશંકર કે જે વિદેશ મંત્રી હતા, તેમની સાથે જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડિયા આ ત્રણેય ભાજપના મેન્ડેટ ઉપર જીત્યા છે. આ ત્રણે ત્રણ હાલમાં ભાજપ સાથે જોડાયેલા છે.
આગામી સમયની વાત કરવામાં આવે તો આ વખતનું કોંગ્રેસનું સંખ્યાબળ ગત ટર્મ કરતા ઓછુ છે. એટલે સ્વાભાવિક રીતે આ વખતની રાજ્યસભાની ચૂંટણી માત્ર ઔપચારિક ચૂંટણી રહેવાની છે. આ વખતે કોંગ્રેસ તરફથી ફોર્મ ભરાય તેવી શક્યતા પણ નથી. જો કે રસપ્રદ એ રહેશે કે આ ત્રણ એટલે કે એસ. જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડિયામાંથી ભાજપ રિપીટ કોને કરશે ? અને ભાજપ પડતા કોને મુકશે.
એસ. જયશંકરની વાત કરવામાં આવે તો તે હાલમાં વિદેશમંત્રી છે અને તેમના મંત્રાલયે અત્યાર સુધી જે કામગીરી કરી છે. જે મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે અને ગુજરાતમાંથી તે રાજયસભાના સાંસદ છે. ત્યારે તેમની કામગીરીને લઇને ફરીથી તેમને રાજ્યસભા સાંસદ તરીકે રિપીટ કરાય તેવી શક્યતા જોવાઇ રહી છે.
બીજી તરફ જુગલજી ઠાકોરને જ્યારે ભાજપમાં લાવવામાં આવ્યા હતા ત્યારે ઠાકોર સમાજના સમીકરણ બેલેન્સ કરવાની વાત હતી. જો કે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જે પ્રકારની અપેક્ષા ભાજપને હતી તે પ્રકારની કામગીરી જુગલજી ઠાકોર દ્વારા ન થયુ હોવાનું સામે આવ્યુ છે. ત્યારે ઉત્તર ગુજરાતમાંથી જુગલજી ઠાકોરને ડ્રોપ કરી અન્ય ચહેરો પસંદ કરવામાં આવે તેવી શક્યતા છે.
દિનેશ અનાવડીયાને રિપીટ કરવાના શક્યતા ૫૦-૫૦ ટકા જેવી લાગી રહી છે. દિનેશ અનાવડીયાને રિપીટ કરી પણ શકાય છે અથવા તો ડ્રોપ કરી શકાય છે. કારણકે દક્ષિણ ગુજરાતનું પ્રતિનીધિત્વ કરતો ચહેરો ગુજરાતમાં નથી. ત્યારે દક્ષિણ ગુજરાતનો કોઇ નવો ચહેરો લાવવાની સંભાવના છે.