અમદાવાદ, ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી વચ્ચે કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ભરગરમીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પગલે કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરાઈ હતી.
તાપી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ બાદ કમોસમી વરસાદ પડ્યો હતો. સોનગઢ શહેર અને કેટલાક ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ઘૂટવેલ, મશાનપાડા, ટાપરવાડા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. છોટાઉદેપુરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારે આઠ વાગે છોટાઉદેપુરમાં વરસાદ વરસ્યો હતો.
વલસાડમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. સેલવાસના છેવાડાના વિસ્તારોમાં માવઠું થયું હતું. કિલવની, ઉમરકુઈ, સીલી સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. ઝરમર વરસાદથી કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી. સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. દાહોદમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. માવઠાને લઈને ખેડૂતોમાં ચિંતા ફેલાઇ જવા પામી હતી.