ગુજરાતમાં અનેક દર્દનાક ઘટનાઓ બની છે, જેમાં અનેક માસૂમ હોમાયા

અમદાવાદ, રાજકોટના ગેમઝોનમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે, જેમાં અત્યાર સુધીમાં ૩૨થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જેમાં અનેક માસૂમ પણ હોમાયા છે, ત્યારે અગાઉ પણ ગુજરાતમાં આ પ્રકારની ઘટનાઓ બની છે.

વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં ૧૮ જાન્યુઆરીએ મોટી કરુણાંતિકા સર્જાઈ હતી. હરણી તળાવમાં બોટ પલટી જતાં ૧૭ના મોત થયા હતા. જેમાં ૧૫ માસુમ બાળકો અને ૨ શિક્ષકોનો સમાવેશ થાય છે.

૩૦ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો ઝુલતો પુલ તૂટી પડ્યો હતો, જેના કારણે લગભગ ૧૪૧ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટનામાં પણ અનેક માસૂમ બાળકો મોતને ભેટ્યા હતા.

રાજકોટની ઘટનાએ સુરત તક્ષશિલા આગ ઘટનાની યાદ અપાવી છે, સુરતના સરથાણા વિસ્તારમાં ૨૪ મે, ૨૦૧૯ના રોજ તક્ષશિલા આર્કેડ બિલ્ડિંગમાં આગની ઘટના બની હતી. કોચિંગ સેન્ટરમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા એ સમયે આગ લાગતાં આ દુર્ઘટનામાં ૨૨ વિદ્યાર્થીઓના જીવ હોમાયા હતા.

વર્ષ ૨૧૦૯માં કાંકરીયા બાલવાટિકાના એમ્યુઝમેન્ટ પાર્કની ડીસ્કવરી રાઈડ્સ તુટી પડતા બે વ્યક્તિના મોત થયા હતા અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોમાં મોટા ભાગે મહિલાઓ અને બાળકો હતા.