ગુજરાતમાં અમદાવાદ-મહેસાણા સહિત દેશભરમાં સાત રાજયોમાં દરોડા

નવીદિલ્હી, બેંગ્લુરુમાં એક કેફેમાં થયેલા બોમ્બ વિસ્ફોટના પગલે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીએ શરુ કરેલી તપાસમાં આજે એનઆઈએની ટીમે ગુજરાત સહિત દેશના સાત રાજયોમાં ૧૭ સ્થળોએ દરોડા શરુ કર્યા છે. બેંગ્લોરની જેલમાં બંધ લશ્કરે તોયબાના એક ત્રાસવાદી ટીનસીર દ્વારા જેલમાં અનેક લોકોને કટ્ટરવાદી બનાવવાના થયેલા પ્રયાસ બાદ એનઆઈએ એકશનમાં આવી છે અને આ કેદી પાસેથી મળેલી બાતમીના આધારે આ દરોડા શરુ કર્યા છે.

અગાઉ બેંગ્લોર પોલીસે કરેલી તપાસમાં સાત પિસ્તોલ, ચાર હેન્ડગ્રેનેડ, કારતૂસોનું એક મેગેઝીન ઉપરાંત ૪૫ જીવતા કારતૂસ અને ચાર હોકીટોકી ઝડપી લીધા હતા અને બાદમાં આ સમગ્ર તપાસ એનઆઈએને સોંપવામાં આવી હતી. જો કે શુક્રવારે બેંગલુરુમાં એક કાફેમાં થયેલા બોમ્બ ધડાકાના સંદર્ભમાં આ દરોડા પાડવામાં આવી રહ્યા છે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી. પરંતુ નશીરના કોન્ટેકટમાં આવેલા સૈયદ સુહેલખાન, મહમદ ઉમર, ઝાહીદ તરબીઝ, સૈયદ મુદશીર તાસા તેમજ મહમદ ફૈઝલ રબ્બાની જેઓ શકમંદ છે તે તમામ નશીદના કોન્ટેકટમાં આવ્યા હતા અને તેમાં અલગ અલગ જેલમાં રહેલા અને અન્ય રાજયોમાં રહેતા આ તમામની તપાસ શરુ કરવામાં આવી છે.

ઉપરાંત દેશની અન્ય જેલોમાં પણ રાખવામાં આવેલા ત્રાસવાદીઓએ કટ્ટરવાદી પ્રવૃતિ અને બ્રેઈનવોશીંગ કર્યુ હોવાના અહેવાલ મળ્યા હતા. જુલાઈમાં જે રીતે શો અને વિસ્ફોટકો પકડાયા તે એક મોટા ત્રાસવાદી હુમલાને નિષ્ફળ બનાવાયો હતો. પરંતુ જેલમાં જ આતંકી પ્રવૃતિને ઉતેજન મળે તેવી ગતિવિધિ ચાલતી હોવાના અહેવાલ બાદ આ દરોડા શરુ કરાયા છે. જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત તામિલનાડુ, તેલંગાણા, કર્ણાટક, પંજાબ અને પશ્ર્ચિમ બંગાળમાં પણ તપાસ થઈ રહી છે.

ગુજરાતમાં મહેસાણા ખાતે હાદકકુમાર ઉપરાંત અમદાવાદમાં કરણકુમારના નિવાસે અને તેમના વ્યાપારી સ્થળે દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ તમામ એક સમયે જેલમાં હતા તેવું માનવામાં આવે છે.