ગુજરાતમાં બેદરકારીથી વાહન ચલાવવાના કારણે વર્ષ ૨૦૧૯માં ૬,૭૧૧ અકસ્માતની ઘટના બની છે, જેમાં ૭,૯૮૮ લોકોનાં મોત થયા છે. હિટ એન્ડ રનની ૯૬૬ ઘટનામાં ૧૧૨૯ લોકોનાં મોત થયા છે, બાકી અકસ્માતોમાં ૬૮૫૯નાં મોત થયાં હતા. ક્રાઈમ ઈન ઈન્ડિયા-૨૦૧૯ના નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરો (એનસીઆરબી)ના લેટેસ્ટ રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે. એનસીઆરબીના રિપોર્ટ પ્રમાણે અમદાવાદમાં વર્ષ ૨૦૧૯માં ૪૨૧ અકસ્માતની ઘટનામાં ૪૪૨ લોકોએ જીવ ગુમાવ્યા છે. સુરત શહેરમાં ૨૯૦ અકસ્માતની ઘટનામાં ૩૦૧ લોકોએ જીવ ગુમાવ્યા હતા. અમદાવાદ શહેર અને સુરત ગ્રામ્યમાં સૌથી વધુ મોત થયા છે. વર્ષ ૨૦૧૫થી ૨૦૧૯ના ગાળામાં ગુજરાતમાં વાહન અકસ્માતના કારણે ૩૯ હજારથી વધુ લોકોએ જાન ગુમાવ્યા છે. એક તરફ સરકાર દ્વારા વાહન ચાલકો પાસેથી દંડ-ઉઘરાણાં કરવામાં આવે છે પરંતુ અકસ્માત મોત માટેના પગલાં તો કાગળ પર જ હોય તેવું ચિત્ર ખડું થાય છે.વર્ષ ૨૦૧૫માં રાજ્યમાં ૮૦૩૮, ૨૦૧૬માં ૮૦૧૧, ૨૦૧૯માં ૭૫૭૪, ૨૦૧૮માં ૮૦૪૦ લોકોનાં મોત થયા છે. અન્ય એક સરકારી રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં વર્ષ ૨૦૧૯માં બનાસકાંઠા ૩૫૨, વડોદરા ગ્રામ્ય ૩૧૩, વલસાડમાં ૩૪૭ના મોત થયા છે. સુરત શહેરમાં ૨૮૮, રાજકોટ શહેરમાં ૧૭૧, વડોદરા શહેરમાં ૧૫૮, ખેડામાં ૨૪૧, ગાંધીનગરમાં ૨૨૯, ભરૂચ ૨૯૩, ગોધરા ૨૩૯ લોકોનાં છેલ્લા એક જ વર્ષમાં મોત થયા છે.
ગુજરાતમાં આઈપીસીની કલમ હેઠળના બાળકો વિરુદ્ધના ગુનાની ૨,૧૯૪ ઘટનાઓ બની છે, જેમાં ૨,૩૨૪ બાળકો ભોગ બન્યા છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૯માં બાળકોના ગુમ-અપહરણની ૫૮૧ ઘટનાઓ બની છે, જેમાં ૬૧૭ બાળકો પીડિત બન્યા છે. અન્ય અપહરણની ૨૭૭ ઘટનામાં ૨૮૨ બાળકો ભોગ બન્યા છે. આમ કુલ ૮૯૯ બાળકોના ગુમ-અપહરણની ઘટના બની હોવાનું જણાવાયું છે.
અમદાવાદ શહેરમાં બાળકોના ગુમ થવા-અપહરણની ૧૧૩ ઘટના બની હતી, જેમાં ૧૧૬ બાળકો પીડિત છે. સુરતમાં ૨૪૩ ઘટના બની છે, જેમાં ૨૫૯ બાળકો પીડિત છે. દેશમાં કુલ ૭૩,૧૩૮ બાળકો ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ૨૧,૦૭૪ બાળક, ૫૨,૦૪૯ બાળકી અને ૧૫ ટ્રાન્સજેન્ડર સામેલ છે. દેશમાં ૨૦૧૮ની સરખાણીએ ગુમ બાળકોના ગુનામાં ૮.૯ ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૬થી ૨૦૧૮ એમ ત્રણ વર્ષમાં કુલ ૬,૫૯૬ બાળકો ગુમ થયા હતા, જેમાંથી ૪,૭૭૩ બાળકો પરત મળી આવ્યા હતા, વર્ષ ૨૦૧૮માં ગુજરાતમાં ૨૪૧૭ બાળકો ગુમ થયા હતા, જેમાંથી ૧૮૭૩ મળી આવ્યા હતા, વર્ષ ૨૦૧૭માં ૨૧૭૨ બાળકો ગુમ થયા તો ૧૬૫૩ મળી આવ્યા હતા, ૨૦૧૬માં ૨૦૦૭ ગુમ થયા, જેની સામે ૧૨૪૭ બાળકો પરત મળી આવ્યા હતા.