અમદાવાદ, રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી ગરમીમાં વધારો થયો છે, ત્યારે આવનારા વધુ ૫ દિવસ હિટવેવ જોવા મળશે તેવી આગાહી કરાઇ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છવાસીઓએ ઉનાળાની શરૂઆતે જ આકરી ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે. કેમ કે હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્ર માટે આગામી ૫ દિવસ માટે હિટવેવની આગાહી કરી છે. આગામી એક સપ્તાહ રાજ્યમાં ગરમી યથાવત રહેશે. તેમજ રાજ્યના મહત્તમ તાપમાનમાં ૨ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. હાલ રાજ્યમાં પોરબંદર અને ગીર સોમનાથમાં હિટવેવ નોંધાઇ છે. હીટવેવના પગલે હવામાન વિભાગે યેલ્લો એલર્ટ જાહેર કર્યું છે.
સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, રાજકોટ, અમરેલી અને દીવમાં હિટવેવની આગાહી કરાઈ છે. સાથે જ ઉત્તર પશ્ર્ચિમના પવનના કારણે સામાન્ય કરતા વધારે ગરમીની આગાહી કરાઇ છે. રાજ્યમાં આગામી ૫ દિવસ સૂકું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી ૪ થી ૫ દિવસ હિટવેવની આગાહી છે. કચ્છ, ગીરસોમનાથ અને પોરબંદરમાં ગરમ પવન ફૂંકાવાની આગાહી આપવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ ૪૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાન અમરેલીમાં નોંધાયું છે. અમદાવાદમાં ૩૯ ડિગ્રી સેલ્સિયસ તાપમાન પહોંચ્યું છે. પશ્ચિમથી ઉત્તર દિશામાં પવન ફૂંકાઇ રહ્યો હોવાથી ગરમીમાં વધારો થયો છે.