
અમદાવાદ,
હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં ધીમે-ધીમે પારો વધી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી આસપાસ નોંધાવાની સંભાવના છે. રાજ્યમાં અત્યારે મે મહિના જેવી આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ફેબ્રુઆરી મહિનામાં ગરમી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે પૂર્વથી દક્ષિણ પૂર્વના ગરમ પવનો અને એંટી સાયક્લોનિક અસરના કારણે ગરમીએ છેલ્લા ૫૦ વર્ષનો રેકૉર્ડ તોડ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં પારો ૩૮ને પાર છે.
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી ૪૮ કલાકમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં હિટવેવની સંભાવના છે. આઈએમડી મુજબ રાજ્યમાં પૂર્વ દક્ષિણ પૂર્વના પવનો ફૂંકાયા છે. રાજ્યના દસથી વધુ શહેરોમાં મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રીને પાર ગયુ છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી, ભૂજમાં ૩૮ ડિગ્રી, રાજકોટમાં ૩૮ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૩૭ ડિગ્રી, કંડલામાં ૩૭ ડિગ્રી અને અમરેલીમાં ૩૯ ડિગ્રી તાપમાન નોંધાયુ છે. આગામી ૨૪ કલાકમાં અમદાવાદ અને ડીસાનુ મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી, જ્યારે ભૂજ અને રાજકોટનુ મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી રહેવાની સંભાવના છે. જો કે, બે દિવસ પછી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે.