ગુજરાતમાં ૭ કરોડની વસ્તીમાં ૧.૨ કરોડ લોકો તો ગરીબ છે

વાઈબ્રન્ટ ગુજરાત, મોડેલ ગુજરાત વિકસિત ગુજરાત એ ફક્ત વાતો છે. તમે આ રિપોર્ટ વાંચશો તો ખબર પડશે કે ગુજરાત એ વિકસિત નહીં ગરીબીમાં જીવતું ગુજરાત છે. જ્યાં ચકાચાંદ ચાંદની પાછળ ગરીબીને છુપાવાઈ રહી છે. સરકાર ભલે વાહવાહી કરે અને વિકાસની વાતો કરે પણ કેન્દ્ર સરકારના આંકડા વિકાસની પોલ ખોલી રહ્યાં છે. ગરીબો અને અમીરો વચ્ચેની ખાઈમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકાર વાઈબ્રન્ટ અને વિકાસશીલ ગુજરાતનો ધૂમ પ્રચાર કરે છે પણ વાસ્તવિક્તા એ છે કે, ગુજરાતમાં ગરીબોની સંખ્યા વધીને ૧.૦૨ કરોડ સુધી પહોંચી ચૂકી છે.

અતિસમૃદ્ધ ગણાતા ગુજરાતમાં ગામડાનો માણસ રોજ ૨૬ રૂપિયા પણ વાપરી શક્તો નથી. શહેરી વિસ્તારનો વ્યક્તિ રોજના ૩૨ રૂપિયા ખર્ચવા પણ સક્ષમ નથી અને લોકો ગુજરાતને વિકસિત રાજય ગણાવે છે. છેલ્લા ૩૦ વર્ષથી ગુજરાતમાં શાસન કરતી ભાજપ સરકાર પણ ગરીબી દૂર કરવામાં નિષ્ફળ રહી હોવાનું આ આંકડાઓ પૂરવાર કરી રહ્યાં છે. રાજ્યનું ૩ લાખ કરોડનું બજેટ હોવા છતાં ગરીબોની સંખ્યામાં સતત વધારો થયો છે. સરકારી રાહત દરે અનાજનો લાભ મેળવતા લોકોની સંખ્યા પણ ૩ કરોડની આસપાસ છે. આ સાબિત કરે છે કે સરકાર ભલે વિકાસના દાવા કરે પણ ચિત્ર કંઈક અલગ જ છે.

દેશમાં ગરીબીની સ્થિતિ નક્કી કરવા માટે ૨૦૧૧-૧૨માં એક સર્વે કરવામાં આવ્યો હતો. જે બાદ હજુ સુધી આ અંગે કોઈ આકારણી જારી કરવામાં આવી નથી. આ સર્વેમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યા ૨૭ કરોડ આંકવામાં આવી હતી. સરકારનું કહેવું છે કે દેશમાં ૨૧.૯ ટકા વસ્તી હજુ પણ ગરીબી રેખા નીચે જીવે છે. આપણે ગુજરાતમાં વિકાસની વાતો કરીએ છીએ પણ ૧ કરોડ વસ્તીને હજુ બે ટંક ખાવાના ફાંફા છે આ અમે નહીં પણ કેન્દ્ર સરકારે જાહેર કરેલા આંકડાઓ કહી રહયાં છે.

ભારતમાં ૨૦૦૫ અને ૨૦૦૬ વચ્ચે લગભગ ૬૪.૫ કરોડ લોકો ગરીબ હતા. જોકે આ આંકડો ઘટીને ૨૦૧૫ અને ૨૦૧૬ વચ્ચે લગભગ ૩૭ કરોડે પહોંચી ગયો છે, જ્યારે ૨૦૧૯ અને ૨૦૨૧ વચ્ચે ૨૩ કરોડ પર આવી ગયો છે. યુએનના આ રિપોર્ટ મુજબ ભારત સહિત ૨૫ દેશોએ ૧૫ વર્ષમાં ગરીબી રેખા ઘટાડવામાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. આ બાબત વિવિધ દેશોની ઝડપી પ્રગતિ દર્શાવે છે. આ યાદીમાં ભારત ઉપરાંત કંબોડિયા, ચીન, કોંગો, હોન્ડુરાસ, ઈન્ડોનેશિયા, મોરોક્કો, સબયા અને વિયેતનામ પણ સામેલ છે. મહામારીને કારણે વર્ષ ૨૦૨૦માં લગભગ ૫.૬ કરોડ ભારતીયો અત્યંત ગરીબ બની ગયા હતા, પરંતુ વર્ષ ૨૦૨૧માં અત્યંત ગરીબોની સંખ્યા ઘટી છે. આ સંખ્યામાં ૩.૮ કરોડનો ઘટાડો થયો છે અને હવે ૧૬.૭૪ કરોડ લોકો અત્યંત ગરીબ છે.

સંસદમાં રજૂ કરાયેલા એક રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં આજે ૧૬.૬૨ ટકા લોકો ગરીબીમાં જીવી રહ્યાં છે. શહેર કરતાં ગામડાના લોકોની સ્થિતિ વધુ ખરાબ છે. સતત મોંઘવારી વધતી જાય છે. બે ટંકનું ભોજન મેળવવું એ ગરીબો માટે દોહ્યલું બની રહ્યું છે ત્યારે સરકારે રજૂ કરેલા આંકડાઓનો અભ્યાસ કરશો તો ખબર પડશે કે આ પૈસામાં કંઈ રીતે બે ટંકનું ખાવાનું પણ મળી રહે. ગામડામાં ૨૧.૫૪ ટકા એટલે કે, ૭૫.૩૫ લાખ ગરીબો છે.

જ્યારે શહેરોમાં ગરીબ લોકોનું પ્રમાણ ૧૦.૧૪ ટકા રહ્યું છે. આ જ સ્થિતિ શહેરોની પણ છે. ચકાચક રોડ અને ઉંચી ઈમારતો અને રોડ પર દોડતી લાખોની ગાડીઓ જોઈને એમ ન સમજતા કે શહેરોમાં લોકો સદ્ધર રહે છે. શહેરમાં ગરીબોની સંખ્યા વધીને ૨૬.૮૮ લાખ સુધી પહોંચી છે. કુલ મળીને સુખી સંપન્ના ગણાતાં ગુજરાતમાં ૧.૦૨ કરોડો લોકો ગરીબ છે.