ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે હાર્ટ એટેકથી થતા મોતનો ચોંકાવનારો આંકડો રજૂ કર્યો છે. તેમણે શુક્રવારે જણાવ્યું હતું કે છેલ્લા છ મહિનામાં રાજ્યમાં હાર્ટ એટેકના કારણે કુલ ૧,૦૫૨ લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાંથી ૮૦ ટકા લોકો ૧૧-૨૫ વર્ષની વય જૂથના હતા. ડીંડોરે કહ્યું કે હાર્ટ એટેકના કેસોને ધ્યાનમાં રાખીને, લગભગ બે લાખ શાળાના શિક્ષકો અને કોલેજના શિક્ષકોને ‘કાર્ડીઓપલ્મોનરી રિસુસિટેશન’માં તાલીમ આપવામાં આવશે.
ગુજરાતના શિક્ષણ મંત્રી ડીંડોરે ગાંધીનગરમાં પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા છ મહિનામાં હાર્ટ એટેકથી ૧,૦૫૨ લોકોના મોત થયા છે. તેમાંથી લગભગ ૮૦ ટકા ૧૧ થી ૨૫ વર્ષની વય જૂથમાં હતા અને આ વિદ્યાર્થીઓ અને યુવાનોમાં સ્થૂળતાની કોઈ ફરિયાદ નહોતી. ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા દરરોજ સરેરાશ ૧૭૩ હૃદય રોગ સંબંધિત કોલ મેળવે છે.
ડિંડોરના જણાવ્યા અનુસાર, રાજ્યના શિક્ષણ વિભાગની નવી પહેલ હેઠળ, લગભગ બે લાખ શાળા અને કોલેજના શિક્ષકોને સીપીઆરમાં તાલીમ આપવા માટે ૩ થી ૧૭ ડિસેમ્બરની વચ્ચે ૩૭ મેડિકલ કોલેજોમાં કેમ્પનું આયોજન કરવામાં આવશે. ડીંડોરે જણાવ્યું હતું કે આ તાલીમ શિબિરોમાં લગભગ ૨,૫૦૦ તબીબી નિષ્ણાતો અને ડોકટરો હાજર રહેશે અને સહભાગીઓને પ્રમાણપત્રો પણ આપવામાં આવશે.
છેલ્લા કેટલાક મહિનામાં હાર્ટ એટેકના ઘણા અહેવાલો આવ્યા છે. આ સમયગાળા દરમિયાન, ક્સરત કરતી વખતે પણ હૃદયરોગના હુમલાને કારણે લોકો મૃત્યુ પામ્યા છે. આવા અનેક વીડિયો પણ સામે આવ્યા છે. આ દરમિયાન ગુજરાતમાં ગરબા દરમિયાન હાર્ટ એટેકના કારણે અનેક લોકોના મોત થયા છે. આ સમયગાળા દરમિયાન, ઘણી જગ્યાએ ઇમરજન્સી કોલ પણ આવ્યા છે, જેને લઈને આરોગ્ય વિભાગે એલર્ટ જાહેર કર્યું હતું. હવે રાજ્યના શિક્ષણ મંત્રીએ આ આંકડો રજૂ કર્યો છે, જેમાં કુલ ૧૦૫૨ લોકોના મોત થયા છે.