ગુજરાતમાં બે મોટા ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. અમદાવાદ ઉદેપુર નેશનલ હાઇવે પર મોડાસાના ગળાદર નજીક નેશનલ હાઈવેના પુલ પરથી લગભગ 35 ફૂટ નીચે કાર નીચે પટકાઈ હતી. જેમાં શામળાજી મંદિરે દર્શન કરી પરત જતાં પરિવાને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર ચારેય લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં એક મહિલા અને બે પુરૂષ તેમજ એક બાળકીનો સમાવેશ થાય છે. ટીંટોઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતકોને હાલ શામળાજી સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા છે. મળતી માહિતી મુજબ મૃતકો નડિયાદ બાજુના છે.
જ્યારે અન્ય એક અસ્માતની વાત કરીએ તો આજે વહેલી સવારે અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 લોકોના મોત થયા હતા. હાંસોટ તાલુકાના શેરા ગામ નજીકથી પૂરઝડપે પસાર થઈ રહેલી કાર ધડાકાભેર વૃક્ષ સાથે ભટકાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડાયો હતો. જોકે સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું હતું.
ભાવનગરના 3 યુવાનો કારમાં વહેલી સવારે સુરત જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. બનાવની જાણ થતાની સાથે જ હાંસોટ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. વહેલી સવારના સમયે કારચાલકને ઝોકું આવી જતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે બનાવની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.
કારમાં સવાર 3નાં મોત નીપજ્યાં છે અને આ ત્રણેય યુવાનો 22-25 વર્ષની ઉંમરના હોવાનું સામે આવ્યું છે. અકસ્માતની જાણ થતાં જ મૃતકોનો પરિવાર ભાવનગરથી ભરૂચ આવવા નીકળ્યો છે. 3 પૈકી 1 યુવાનની સગાઈ થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.