ગુજરાતમાં બે ત્રણ દિવસ સુધી તાપમાનમાં કોઈ જ ફેરફાર નહીં થાય

હાલ ગુજરાતમાં એક રીતે ડબલ સિઝનનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે અને મોડી રાતે સામાન્ય ઠંડીનો અનુભવ થાય છે. જ્યારે સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી આકરી ગરમીનો અનુભવ થાય છે. આવી ડબલ સિઝનને કારણે સંખ્યાબંધ લોકોને ખાંસી-ઉધરસ, કફ અને શરદીની તકલીફ થતી જોવા મળી રહી છે. ત્યારે ઠંડી સિઝન અંગે મહત્ત્વના સમાચાર સામે આવ્યાં છે. દરેકના મનમાં એક જ સવાલ હોય છેકે, આ વખતે ઠંડી ક્યારથી શરૂ થશે…તેનો જવાબ જાણવા તમારે આ આર્ટિકલ વિગતવાર વાંચવો પડશે…

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ઠંડીને લઈ આગાહી કરવામાં આવી છે. જે મુજબ સામાન્ય રીતે ગુજરાતમાં ઠડીનો ચમકારો નવેમ્બરના અંત અને ડિસેમ્બરથી જોવા મળશે. કોલ્ડવેવ પણ ડિસેમ્બરમાં જોવા મળે તેવી શક્યતા છે. હાલ સૌરાષ્ટ્રમાં મહત્તમ અને લઘુતમ તાપમાન વધુ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત આગામી સાત દિવસ સુધી વરસાદની કોઈ સંભાવના નથી. બે ત્રણ દિવસ સુધી તાપમાનમાં કોઈ જ ફેરફાર નહીં થાય. બે-ત્રણ દિવસ બાદ મહત્તમ અને લઘુતમ તાપમાનમાં એકાદ ડિગ્રીનો ઘટાડો થશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 36 – 37 ડિગ્રી સુધી રહેશે, લઘુતમ તાપમાન 20 થી 22 ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે.

હવામાન અંગેના આગાહીકાર અંબાલાલ પટેલે શિયાળાને લઈ મોટી આગાહી કરી છે. તેમણે જણાવ્યું છેકે, નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં શિયાળો હુંફાળો રહેશે. આ વર્ષે શિયાળો અલ નિનોના કારણે થોડો મોડો શરૂ થશે. આગામી 3 નવેમ્બર થી 8 નવેમ્બર વચ્ચે ભારે પશ્ચિમ વિક્ષેપ આવશે. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોથી લઈ પૂર્વ ગુજરાત સુધી હવામાનમાં તેની અસર દેખાશે.

હવામાન અંગેના આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, તારીખ 4 થી 7 નવેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર, અને અરબ સાગરમાં ડિપ્રેશન બનશે. તારીખ 14 નવેમ્બર થી 24 નવેમ્બર વચ્ચે ચક્રવાત બંગાળના ઉપસાગર માં મજબૂત બનશે. આ ચક્રવાત દક્ષિણ પૂર્વ ભારતીય તટો ઉપર ભારે પવન સાથે વરસાદ લાવશે. આ ચક્રવાત ને લઈ ગુજરાતમાં પણ વાદળ વાયુ જેવું વાતાવરણ સર્જાશે.

24 નવેમ્બર થી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે. જેના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં હવામાનમાં પલટો આવશે. 22 ડિસેમ્બર બાદ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા ને લઈ ગુજરાત સુધી ભારે ઠંડી વર્તાશે. 5મી ફેબ્રુઆરીથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપને લઈ ભારે હિમ વર્ષા થશે. જેને લઇ ગુજરાતમાં ઠંડીનું ભારે મોજું ફરી વળવાની શક્યતા. મહત્તમ 14 ડિગ્રી સેલ્સિયસ થી 7 ડિગ્રી સુધી લઘુતમ તાપમાન જવાની શક્યતા છે.