
ગાંધીનગર, ગુજરાત સરકાર ગ્રીન હાઇડ્રોજન મિશન અંતર્ગત ૧૦૦ ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ માહિતી ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય રિન્યુએબલ એનર્જી સાથે ગ્રીન ગ્રોથ હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલ કહ્યું “ગુજરાતની રિન્યુએબલ એનર્જી ક્ષમતા ૨૦ ગીગાવોટ (જીડબલ્યુ) સુધી પહોંચી ગઈ છે. તે ભારતની કુલ રિન્યુએબલ એનર્જી ક્ષમતાના ૧૫ ટકા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને અનુરૂપ ગુજરાતે ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ ૧૦૦ ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે ”
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પીએમ ગતિ શક્તિના સંકલિત પોર્ટલમાં કેન્દ્ર અને રાજ્યના ડેટા સ્તરોને એકીકૃત કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. જેના લીધે આયોજનની ગતિ વધી છે કારણ કે હવે પ્રોજેક્ટના આયોજન માટે ઓછો સમય લાગે છે, તેમણે ઉમેર્યું હતું કે, ગતિ શક્તિ પ્લેટફોર્મ દ્વારા ભારત નેટની સંપત્તિનો લાભ લઈને રાજ્યભરમાં ટેલિકોમ સેવા પ્રદાતાઓ દ્વારા 5G સેવાઓ શરૂ કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે ગિફ્ટ સિટી, ધોલેરા અને ડ્રીમ સિટી જેવા ગ્રીનફિલ્ડ આધારિત આર્થિક શહેરો આર્થિક પ્રવૃત્તિઓ પર આધારિત શહેરોના વિકાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાના વડા પ્રધાનના સંકલ્પના અનુસાર ગુજરાતમાં વિક્સાવવામાં આવી રહ્યા છે.