ગુજરાત જાયન્ટ્સેની વડોદરા ના કોટંબી સ્ટેડિયમ માં શાનદાર વિજય : UPW સાથેની મેચ GGએ ૬ વિકેટે જીતી

વડોદરા વિમેન્સ પ્રીમિયર લીગની ત્રીજી મેચમાં યૂપી વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચેના જંગમાં ગુજરાતની ટીમે યુપી વોરિયર્સને સસ્તામાં સમેટી દીધું હતું. પ્રથમ મેચ નુ ભૂલો સુધારી ગુજરાત જાયન્ટ્સે જબરદસ્ત કમબેક કર્યું અને ખાતું ખોલ્યું. ગુજરાત જાયન્ટ્સની ટીમની સુકાની એશ્લે ગાર્ડનરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે સાચો ઠર્યો હતો. એશ્લે ગાર્ડનરના ઓલરાઉન્ડ પર્ફોર્મન્સે ગુજરાત જાયન્ટ્સને જીત તરફ દોરી જવામાં સફળતા મેળવી હતી.

સીઝનની પહેલી મેચ રમી રહેલી યુપી વોરિયર્સની શરુઆત સારી રહી નહોતી. ટીમે ૨૨ રનના સ્કોર પર પોતાની બંને ઓપનર ગુમાવી હતી. ડિએન્ડા ડોટિને કિરન નવગિરેને શિકાર બનાવી હતી. તે ૧૫ રન કરી શકી હતી. ત્યારબાદ ગાર્ડનરે દિનેશ વૃંદાને આઉટ કરી હતી. તે માત્ર ૬ રન કરી શકી હતી. ત્યારબાદ ઉમા છેત્રી અને દિપ્તીએ મોર્ચો સંભાળ્યો હતો. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે ૫૧ રનની ભાગીદારી થઈ હતી. જેને ડોટિને જ તોડી હતી. તેણે ઉમાને પ્રિયા મિશ્રાના હાથમાં ઝિલાવી હતી. તે ચાર બાઉન્ડ્રીની મદદથી ૨૪ રન બનાવીને આઉટ થઈ હતી.

ગુજરાતની ખેલાડી પ્રિયા મિશ્રાએ પોતાની બોલિંગથી કહેર વર્તાવ્યો હતો. ગુજરાતની આ બોલરે એક જ ઓવરમાં બે વિકેટ સહિત કુલ ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે ઇનિંગની ૧૧મી ઓવરમાં બે વિકેટ ઝડપીને યુપી વોરિયર્સને બેકફૂટ પર ધકેલી દીધી હતી. ભારતીય ટીમની ઓલરાઉન્ડર દીપ્તી શર્મા ૩૯ રન બનાવીને આઉટ થઈ હતી. ત્યારબાદ ગ્રેસ હેરિસે ચાર, શ્વેતા સહેરાવતે ૧૬, સોફી એકલેસ્ટોને ૨, સાઈમા ઠાકોરે ૧૫ રન કર્યા હતા. પ્રિયા મિશ્રાની ત્રણ, ડિએન્ડા ડોટ્રિન અને એશ્લે ગાર્ડનરના ખાતામાં બે-બે વિકેટ ગઈ હતી. જ્યારે કાશ્વી ગૌતમને એક વિકેટ મળી હતી. જ્યારે બીજી તરફ બીજી ઈનિંગમાં ગુજરાત જાયન્ટ્સની પહેલી બે ઓવરમાં જ બે વિકેટ માત્ર ૨ રન પર જ પડી ગઈ હતી. ત્યારબાદ ગુજરાત જાયન્ટ્સની કેપ્ટન એશલેહ ગાર્ડનરે ટીમની બાજી સંભાળી હતી અને વોલ્વાર્ડ સાથે ૪૨ બોલમાં ૫૫ રનની પાર્ટનરશીપ કરીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. તદુપરાંત હર્લિન દેઓલ અને ડિએન્ડ્રા ડોટિને બાજી સંભાળી હતી અને મેચને જીત સુધી લઈ ગયા હતા. ડિએન્ડ્રા ડોટીનની ફટકાબાજીની સામે યુપી વોરિયર્સના બોલરો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. ગુજરાત જાયન્ટ્સે ૬ વિકેટે મેચ જીતી હતી.