ગુજરાત ગુણવત્તા સંકલ્પનું મુખ્યમંત્રીએ ઉદ્ધાટન કર્યું: અમે ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને મને વિશ્વાસ છે કે અમે ૧૦૦ ટકા સફળતા પ્રાપ્ત કરીશું.

અમદાવાદમાં ગુજરાત ગુણવત્તા સંકલ્પના ઉદ્ધાટન સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું છે. પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રાજ્ય ગુણવત્તા અપનાવવાના ક્ષેત્રમાં સફળતા હાંસલ કરવા પ્રતિબદ્ધ છે. જે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની પહેલ છે, જેનો હેતુ ગુજરાતમાં પ્રાથમિક્તા ધરાવતા ક્ષેત્રોમાં નિર્ણાયક ગુણવત્તાના હસ્તક્ષેપ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.

ગુજરાત ગુણવત્તા સંકલ્પનો ઉદ્દેશ્ય ગુણવત્તાયુક્ત હસ્તક્ષેપ દ્વારા રાજ્ય સરકારની પહેલને વધારવા અને સમર્થન આપવાનો છે, પાયાના સ્તરે ગુણવત્તા સ્થાપિત કરીને અમૃત કાલમાં વિક્સીત ગુજરાત માટે સર્વગ્રાહી ગુણવત્તાની ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાનો છે. આ પહેલનો હેતુ રાજ્યમાં શિક્ષણ અને કૌશલ્ય, આરોગ્યસંભાળ, ઈ-કોમર્સ, ઉદ્યોગ અને સ્જીસ્ઈ, પ્રવાસન, સંસ્કૃતિ અને રમતગમત સાથે સામાજિક વિકાસ જેવા મુખ્ય ક્ષેત્રોમાં ગુણવત્તાના ધોરણોને ફરીથી નિર્ધારિત કરવાનો છે.

ગુજરાત ગુણવત્તા સંકલ્પના ઉદ્ધાટન સત્રને સંબોધતા ગુજરાતના મુખ્યપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે, “થોડા વર્ષો પહેલા ભારતમાં ગુણવત્તા શબ્દને મોટાભાગે અવગણવામાં આવતો હતો, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ ગુણવત્તા તરફ આગળ વધી રહ્યો છે.” વધુમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે “મેક ઇન ઇન્ડિયા હોય, ડિજિટલ ઈન્ડિયા હોય કે આત્મનિર્ભર ભારત હોય, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાથ ધરેલ દરેક ચળવળમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે. અમે ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને મને વિશ્વાસ છે કે અમે તેને વિકાસનો પાયો બનાવવામાં ૧૦૦ ટકા સફળતા પ્રાપ્ત કરીશું.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ગુજરાતે ૫જી મોડલ હેઠળ વિકસિત ગુજરાતના નિર્માણમાં પ્રગતિને વેગ આપ્યો છે. જેનો અર્થ છે ગરવુ ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાત. ચાલો આપણે આ ૫જી ગુજરાત મોડલમાં વધુ એક જી ઉમેરીએ, જે ‘ગુણવત્તા’ માટે વપરાય છે.” કયુસીઆઇના ચેરપર્સન જક્ષય શાહે તેમના સંબોધનમાં કહ્યું કે “ઐતિહાસિક મીઠાના સત્યાગ્રહની શરૂઆત અમદાવાદથી થઇ હતી, અને ગુજરાત ગુણવત્તા સંકલ્પ સાથે ક્વોલિટી માર્ચ પણ આજ શહેરમાંથી શરૂ થઇ રહી છે.

દિવસભર ચાલેલા આ કાર્યક્રમમાં મંત્રીઓ અને અમલદારો સહિત વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને અગ્રણી ઉદ્યોગ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો આ સાથે ગુજરાતના ઉદ્યોગ સચિવ એસ.જે.હૈદર, ગુજરાતના મુખ્યમંત્રીના સલાહકાર એસ.એસ.રાઠોડ,કયુસીઆઇના મુખ્ય સલાહકાર હેમગૌરી ભંડારી, ગુજરાત કાઉન્સિલના અધ્યક્ષ ચિંતન ઠાકર, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ અજય પટેલ, ગુજરાત રાજ્ય કાઉન્સિલના અધ્યક્ષ રાજીવ ગાંધી સહિતના મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. દિવસભરના કાર્યક્રમમાં ગુજરાતમાં શિક્ષણ અને કૌશલ્ય, પોષણક્ષમ અને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ, ઉદ્યોગ અને એમએસએમઇનું ભાવિ, લક્ષ્યાંક્તિ મૂલ્યવૃદ્ધિ દ્વારા ઈ-કોમર્સનું પરિવર્તન, ગુજરાતને પ્રવાસન, સંસ્કૃતિ અને રમતગમત માટે વૈશ્વિક હબ બનાવવા, સફળતાના પરિણામ તરીકે જીવનની ગુણવત્તા, અને રાજ્યનો ક્વોલિટી રોડમેપ સહિતના સત્રો થયા હતા.