
વલસાડ, પોલીસે દારૂની હેરાફેરી કરતા બુટલેગરોની એક અજીબ તરકીબ ઝડપી પાડી છે. આ વખતે બુટલેગરો બીજા કોઈ અન્ય વાહનમાં નહીં પરંતુ દૂધના ટેંકરરમાં જ દારૂની હેરાફેરી કરતા હોવાનો પોલીસે પરદાફાશ કર્યો છે. વલસાડ ગ્રામ્ય પોલીસે દૂધના ટેંકરરમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. જોકે કન્ટેનર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જેને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.

બનાવવી વિગત મુજબ રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણ દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રમાં દારૂની છૂટ છે. આથી આ પ્રદેશોમાંથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાનું અગાઉ પણ અનેક વખત બહાર આવ્યું છે. જોકે બોર્ડર પર પોલીસનો પહેરો વધારે ચોક્કસ હોવાથી બુટલેગરો વિદેશી દારૂની હેરાફેરી માટે અજીબ તરકીબો અજમાવે છે. વલસાડ રૂરલ પોલીસને મળેલી બાતમીના આધારે રૂરલ પોલીસે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વલસાડ સુગર ફેક્ટરી નજીક વોચ ગોઠવી હતી.

આ દરમિયાન જ મહારાષ્ટ્ર પાર્સિંગનું ગુજરાત ડેરી લખેલું એક દૂધનું ટેંકરર હાઇવે પરથી પસાર થતાં પોલીસે તેનો પીછો કર્યો હતો .જોકે પોલીસને જોઈ ટેંકર ચાલકે પૂર ઝડપે ટેંકરર ભગાવ્યું હતું. પરંતુ પૂરી તૈયારી સાથે પહોંચેલી પોલીસે પીછો કરતા આખરે ટેંકર ચાલક સુગર ફેક્ટરી નજીક જ ટેંકર મૂકી અને ફરાર થઈ ગયો હતો. ટેંકર કબજે લઈ તપાસ કરતા પોલીસ પણ ચોકી ગઈ હતી. કારણ કે ગુજરાત ડેરી લખેલા મહારાષ્ટ્ર પાસગના આ દૂધના ટેંકરમાં દૂધ નહીં પરંતુ વિદેશી દારૂનો જથ્થો હોવાનો બહાર આવ્યું હતુ.
આથી પોલીસે આ દૂધના ટેંકરને પોલીસ સ્ટેશન લાવી તપાસ કરતા ટેંકરમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે ટેંકરનો ચાલક ફરાર થઈ જતા વાહન નંબરના આધારે પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે. મહત્વપૂર્ણ છે કે અગાઉ પણ અનેક વખત બુટલેગરો વિદેશી દારૂની હેરાફેરી માટે અજીબ તરકીબો અજમાવે છે. જોકે આ વખતે પોલીસે દૂધના ટેંકરમાં દારૂની હેરાફેરીની બુટલેગરોની તરકીબને પણ ઝડપી પાડી છે.
આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવામાં આવી રહ્યો હતો તે અંગે પણ તપાસ કરીને બૂટલેગરના મૂળ સુધી પહોંચવાના પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે.