બોટાદમાં બે દિવસીય કારોબારી બેઠકમાં થઈ શકે છે ગુજરાત ભાજપના કાર્યકારી પ્રમુખ નિયુક્તિ.

આવતીકાલથી ભાજપ પ્રદેશની બે દિવસની કારોબારી બેઠક બોટાદમાં મળશે. જો કે, તે અગાઉ જ સચિવાલયમાં ચર્ચા શરૂ થઈ છે કે, સી આર પાટીલની મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે તેમજ તેઓ હવે કેન્દ્રમાં કેબિનેટ મંત્રી પણ બની ગયા છે. જેથી તેમની જગ્યાએ કોઈ નવા નેતાને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની જવાબદારી અપાશે. ગુજરાત પ્રદેશ ભાજપના કાર્યકારી પ્રમુખ તરીકે કયા નેતાને નિયુક્તિ કરવામાં આવશે એ અંગે સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. જો કે આગામી દિવસોમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

સૌરાષ્ટ્રાના બોટાદમાં પુરુષોતમ મંદિરમાં 4 જૂલાઈએ એટલે કે, ગુરુવારે બપોરે 3 વાગ્યાથી ભાજપની કારોબારી શરૂ થશે. જે બીજા દિવસ સુધી એટલે કે 5 જુલાઈ સુધી ચાલશે. આમ ગુરૂવાર અને શુક્રવાર એમ બે દિવસ સુધી કારોબારી બેઠક ચાલશે. મોટાભાગના નેતાઓ શુક્રવારે રાત્રિ રોકાણ પણ મંદિરમાં જ કરશે. કારોબારીની બેઠક ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના અધ્યક્ષસ્થાને યોજાશે. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ ખાસ હાજરી આપશે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ કારોબારીમાં હાજર રહેશે.

કારોબારીની બેઠકમાં કટોકટીના સંદર્ભમાં લોકસભામાં જે ઠરાવ થયો હતો તેને પસાર કરાશે. તેમજ રાજકીય ચર્ચા વિચારણા કરાશે. ગુજરાતમાં ભવિષ્યમાં કેવા પ્રકારના કાર્યક્રમો યોજવા તેની ચર્ચા પણ થશે. આ બેઠકમાં ભાજપ સંગઠનના વિવિધ પદાધિકારીઓ પણ હાજર રહીને પોતાના મંતવ્યો રજૂ કરશે. લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં આ વખતે હેટ્રીક ન થઈ અને એક બેઠક કેમ ગુમાવવી પડી તેનું પોસ્ટમોર્ટમ પણ કરાશે.

સાથોસાથ ભાજપમાં એક નિયમ એવો છે કે, એક વ્યક્તિ એક હોદ્દો. પરંતુ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ પાસે જ અત્યારે બે હોદ્દા છે. એક પ્રમુખનો અને બીજા કેન્દ્રીય મંત્રીનો. તો આગામી સમયમાં પાટીલ પાસેથી પણ એક હોદ્દો લઈ લેવાશે એ નક્કી છે. જેથી એવી ચર્ચા ચાલી રહી છે કે, જો નવા પ્રદેશ પ્રમુખની નિમણૂકમાં થોડો સમય લાગશે તો તેવી સ્થિતિમાં ગુજરાત ભાજપના કાર્યકારી પ્રદેશ પ્રમુખ તરીકે કોઈ અન્ય નેતાને જવાબદારી પણ સોંપાઈ શકે છે. આગામી દિવસોમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે.