- બોર્ડનું પરીક્ષા આપવા નીકળેલા વિદ્યાર્થીને અકસ્માત, હાથ ભાંગી જતા પહેલું પેપર રાઈટરની મદદથી આપ્યું
અમદાવાદ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનારી ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો હતાં રાજ્યના કુલ ૧૬.૭૬ લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે પરીક્ષાર્થીઓના મનનો ડર દુર થાય અને તેઓ પ્રફુલ્લિક મન સાથે પરીક્ષા આપી શકે તે માટે રાજકોટ અને સુરતના કેટલાક પરીક્ષા કેન્દ્રો પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી . શાળા તંત્ર દ્વારા પરીક્ષાર્થીઓના સ્વાગત માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને ફુલ આપીને આવકારવામાં આવ્યા હતાં આ સાથે જ મિઠાઇ ખવડાવીને પરીક્ષા ખંડમાં જવા મોકલવામાં આવ્યા હતાં
ગુજરાતમાં ધોરણ-૧૦ની પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાંથી ૯.૧૭ લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે અને આ પરીક્ષા માટે રાજ્યમાં ૯૮૧ કેન્દ્રો નક્કી કરાયા છે. આ જ રીતે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં સમગ્ર રાજ્યમાંથી ૪.૮૯ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમની પરીક્ષા માટે રાજ્યમાં ૫૦૬ કેન્દ્ર નક્કી કરાયા છે.
દરમિયાન સુરતના એક વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષા આપવા જતા સમયે રસ્તામાં જ અકસ્માત થયો હતો. તેનો હાથ ભાંગી જતા તેને રાઈટરની મદદથી પહેલુ પેપર આપવું પડ્યુ હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષા આપવા નીકળેલા અનિલ પ્રજાપતિ નામના વિદ્યાર્થીનો રસ્તામાં જ અકસ્માત થયો હતો. અનિલને જે હાથે પરીક્ષા લખવાનો હતો એ જ હાથ ભાંગી ગયો હતો. જેથી તેને રાઇટરના મદદથી વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષાનું પ્રથમ પેપર આપ્યું હતું. અકસ્માતમાં હાથ ભાંગી ગયો હોવા છતાં વિદ્યાર્થીએ હિંમત ન ગુમાવી. વિદ્યાર્થીએ પહેલું પેપર રાઈટર દ્વારા આપ્યું છે.
જયારે તાપી જિલ્લામાં બોર્ડની પરીક્ષા આપવા વ્યારા તરફ જતા વિદ્યાર્થીઓની પિકઅપ ગાડીને પણ અકસ્માત નડ્યો હતો. ઉકાઈથી જીવતા મોતની જેમ દોડતા ડમ્પરે પિક અપ ગાડીને અડફેટે લીધી હતી. જેમાં ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષા આપવા જઇ રહેલા વિદ્યાર્થીઓ સવાર હતા. સોનગઢના તાલુકાના માંડલ ગામ હાઈસ્કુલ ની વિદ્યાર્થીઓની પીકઅપ ગાડીને અકસ્માત નડ્યો હતો. ચોરવાડ ગામ પાસે ડમ્પર અને પીકઅપ વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ૧૫ થી વધુ વિદ્યાર્થીનીઓ ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષા આપવા માટે વ્યારા આવી રહ્યા હતા. આ ઘટનામાં એક વિદ્યાર્થીનીને સામાન્ય ઈજા પહોંચતા તેમને વ્યારા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી.
બીજીત રફ, આજે ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાના પ્રથમ પેપરને લઈને વિદ્યાર્થીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓ પેપર પૂર્ણ કરીને પરીક્ષા કેન્દ્રોની બહાર નિકળી રહ્યા છે અને પેપરને લઈને પ્રતિક્રિયા આપી હતી. ધોરણ ૧૦નું ગુજરાતી, અંગ્રેજી, ઉર્દૂ, હિન્દી અલગ અલગ મીડિયમની પ્રથમ ભાષાનું પેપર હતું. આથી વહેલી સવારથી વિદ્યાર્થીઓ અને વાલીઓ પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા. પ્રથમ પેપરને લઈને વિદ્યાર્થીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પ્રવેશ આપ્યો હતો. વિદ્યાર્થીઓ પેપર પૂર્ણ કરીને પરીક્ષા કેન્દ્રોની બહાર નીકળતા ખુશ જણાયા હતા. પરીક્ષા પૂર્ણ કરીને બહાર આવેલા વિદ્યાર્થીઓમાં પ્રથમ પરીક્ષા સારી રીતે પૂર્ણ થવાના લીધે આનંદની લાગણી જોવા મળી હતી. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, પહેલું પેપર મસ્ત રહ્યું, લખવાની બહુ જ મજા આવી, એકદમ સરળ હતું. ધો. ૧૦નું પેપર પૂર્ણ થયા બાદ આન્સર કી પોલીસ બંદોબસ્ત વચ્ચે ઝોનમાં મોકલાઈ છે.