ગુજરાત ભાજપના ધારાસભ્યો તા.૨૦થી ત્રણ રાજયોની ચુંટણીના પ્રચારમાં જોડાશે

નવી દિલ્હી: ચાલુ વર્ષના અંતમાં યોજાનારી પાંચ રાજયોની ધારાસભા બેઠકની ચુંટણીમાં ભાજપે પ્રચારનો પ્રથમ રાઉન્ડ શરુ કરવા માટેના આયોજનમાં ગુજરાત ભાજપના તમામ ધારાસભ્યોને હવે તા.20થી રાજસ્થાન, છતીસગઢ અને મધ્યપ્રદેશના ચુંટણી પ્રવાસે મોકલીને પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ દેશભરમાં ભાજપના 650થી વધુ ધારાસભ્યોને પાંચ રાજયોમાં ચુંટણી જવાબદારી બેઠક મુજબ આપશે.

આ પાંચ રાજયોની તમામ બેઠક પર અન્ય રાજયમાંથી ભાજપના એક ધારાસભ્ય પ્રચારમાં જોડાશે. આ માટે તા.19ના રોજ એક બેઠક યોજાશે જેમાં જે ધારાસભ્યોને ચુંટણી જવાબદારી સુપ્રત કરવામાં આવનાર છે. તેઓને પોતાની ભૂમિકા સમજાવાશે.

એ ઉલ્લેખનીય છે કે પક્ષે રાજસ્થાન તથા છતીસગઢમાં ગુજરાતના બે સીનીયર નેતાઓને પ્રભારીની જવાબદારી સોંપી છે. જેમાં છતીસગઢમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો. મનસુખ માંડવીયા અને રાજસ્થાનમાં પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલને પ્રભારી બનાવાયા છે અને હવે તેમના નેતૃત્વ હેઠળ ગુજરાત ભાજપના ધારાસભ્યોને બેઠક વાઈઝ જવાબદારી સોપાશે અને ચુંટણી સુધી તેઓ પક્ષના કાર્યક્રમ મુજબ આ બેઠકોનો પ્રવાસ કરીને પ્રચાર સહિતની કામગીરીમાં સામેલ થશે.

જેમાં સૌરાષ્ટ્રના ધારાસભ્યોને પાડોશી રાજસ્થાન અને ઉતર ગુજરાત સહિતના ધારાસભ્યોને મધ્યપ્રદેશ, છતીસગઢમાં જવાબદારી સુપ્રત કરશે. ભાજપે કર્ણાટક વિધાનસભા ચુંટણીમાં પણ આ રીતે ગુજરાત ભાજપના ધારાસભ્યોને ખાસ જવાબદારી સુપ્રત કરી હતી. ગુજરાતમાં પણ ધારાસભા ચુંટણી સમયે અનેક રાજયોના ધારાસભ્યો તથા સાંસદો પ્રચારમાં ઉતર્યા હતા.