લોક્સભા ચૂંટણી અને વિધાનસભાની પેટાચૂંટણી બાદ હવે રાજ્યના રાજકારણને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત મંત્રીમંડળમાં ફેરબદલની ચર્ચા વચ્ચે ભાજપ નેતાઓની દિલ્હી ભણી દોટથી અનેક તર્કવિતર્ક સર્જાયા છે. વાસ્તવમાં હમણાં તાજેતરમાં જ કૃષિમંત્રી રાઘવજી પટેલે દિલ્હીમાં અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન હવે સમાચાર સામે આવ્યા છે કે, અગાઉ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ અર્જુન મોઢવાડીયાએ પણ હવે દિલ્હી જઈ અમિત શાહ અને સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી છે.
લોક્સભા ચૂંટણી પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડીયાએ પક્ષને બાય-બાય કરી અને ભાજપનો કેસરીયો ધારણ કર્યો હતો. આ તરફ હવે અર્જુન મોઢવાડીયા દિલ્હી દોડી ગયા હતા અને રાષ્ટ્રીય નેતૃત્વ સાથે મુલાકાત કરી હતી. આ બધાની વચ્ચે જોકે એક ચર્ચા એવી પણ છે કે, ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. જોકે આ ચર્ચાની વચ્ચે ભાજપના દિગ્ગજ નેતાઓ હવે દિલ્હી ભણી દોટ મૂકી રહ્યા છે. આ ક્રમમાં પહેલા ભાજપ નેતા અને કૃષિમંત્રી રાઘવજી પટેલ દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં તેમણે અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.
રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર ૨.૦ના મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા લોક્સભા ચૂંટણી પહેલાથી ચાલી રહી છે. જોકે હવે ફરી આ ચર્ચાની વચ્ચે ગુજરાત ભાજપના નેતાઓ દિલ્હી પહોંચી શાહ અને પાટીલને મળ્યા છે. પહેલા રાઘવજી પટેલ અને હવે અર્જુન મોઢવાડીયા દિલ્હી દરબાર પહોંચ્યા હતા. વિગતો મુજબ અર્જુન મોઢવાડીયાએ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને જળ સંસાધનમંત્રી સી.આર.પાટીલ સાથે મુલાકાત કરી હતી.