ગુજરાતના કાર ડીલરોને આ વખતની નવરાત્રિ ફળી છે,ઓક્ટોબરમાં કારનું વેચાણ ૩૪ ટકા વધ્યું

અમદાવાદ, ગુજરાતના કાર ડીલરોને આ વખતની નવરાત્રિ ફળી છે. નવરાત્રિ દરમિયાન કારના વેચાણમાં જોવા મળેલી જબરદસ્ત વૃદ્ધિ નવેમ્બરમાં પણ જારી રહી હતી. સેમી કંડક્ટરની અછત હળવી થતા વાહનોની ઉપલબ્ધતામાં વધારો થયો છે. ફક્ત ફોર-વ્હીલર જ નહીં ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર્સ, પેસેન્જર વાહનો, ટ્રેક્ટર અને કૉમર્શિયલ વાહનો સહિત તમામ ઓટોમોટિવ કેટેગરીના વેચાણમાં વધારો જોવા મળ્યો હતો. પ્રીમિયમ સેગમેન્ટની કારની વધુ માંગ છે, જેના કારણે ઈન્વેન્ટરી ક્ષમતા અંગે ચિંતા થાય છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશને ઉત્પાદકોને ઈન્વેન્ટરી સાફ કરવા માટે વધુ આક્રમક યોજનાઓ રજૂ કરવા વિનંતી કરી છે.

ડીલરો કહે છે કે પ્રીમિયમ સેગમેન્ટની કાર જેમાં લક્ઝરી કાર, એસયુવી અને હાઈ-એન્ડ કોમ્પેક્ટ કારનો સમાવેશ થાય છે તેની વધુ માંગ છે. ઓક્ટોબરમાં નવરાત્રિ-દશેરા તહેવારોની સીઝનની સાથે કાર ડીલરશીપ તેમના વેચાણને મળેલ બુસ્ટર ડોઝની ઉજવણી કરી રહ્યા છે.કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર, ઓક્ટોબરમાં ગુજરાતમાં ગ્રાહકોને ૫૯,૫૬૯ કારની ડિલિવરી કરવામાં આવી હતી, જે ઓક્ટોબર ૨૦૨૨માં દશેરા અને ધનતેરસ બંને તહેવારો દરમિયાન આપવામાં આવેલી ૪૪,૩૩૬ કાર કરતાં લગભગ ૩૪% વધારે છે.

આરટીઓના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘સેમિકન્ડક્ટરની અછત હળવી થવાને કારણે આ વર્ષે વાહનોની ઉપલબ્ધતા ગયા વર્ષની સરખામણીમાં ઘણી વધારે હતી. ગયા વર્ષે સપ્ટેમ્બરના અંતમાં નવરાત્રિની શરૂઆત ઓક્ટોબરમાં દશેરા સાથે થઈ હતી. આ વર્ષે તહેવારોની મોસમમાં વેગ સંપૂર્ણપણે ઓક્ટોબરમાં હતો. કોવિડ રોગચાળા પછીથી કારનું વેચાણ વધી રહ્યું છે. કેલેન્ડર વર્ષ ૨૦૨૨માં ૨.૫૮ લાખ કારનું વેચાણ થયું હતું. જયારે આ કેલેન્ડર વર્ષમાં ૨.૯ લાખ કારનું વેચાણ થઈ ચૂક્યું છે.’

ટુ-વ્હીલર્સ, થ્રી-વ્હીલર્સ, પેસેન્જર વ્હીકલ્સ (કાર), ટ્રેક્ટર અને કૉમર્શિયલ વ્હીકલ્સ (સીવી) તમામ ઓટોમોટિવ કેટેગરીમાં વેગ જોવા મળ્યો હોવાનું ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશને જણાવ્યું હતું.ગુજરાત ચેપ્ટરના ચેરમેન હિતેન્દ્ર નાણાવટીએ જણાવ્યું હતું કે, ‘ગુજરાત ફરીથી દેશ કરતાં વધુ સારા વિકાસ દર સાથે અગ્રેસર છે, જે મુખ્યત્વે નવરાત્રિમાં સારા વેચાણ અને સુધરેલી તરલતા દ્વારા પ્રેરિત હતું. અમે નવેમ્બરના વેચાણમાં પણ સુધારો થવાની અપેક્ષા રાખીએ છીએ.’