
અમદાવાદ,
રાજસ્થાનના દક્ષિણ ભાગ અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ર્ચિમ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ થશે. તારીખ ૨૨-૨૬ ફેબ્રુઆરી દરમિયાન માવઠાંની શક્યતા છે. ૨૬ એપ્રિલથી ૪૫ ડિગ્રી ઉપર તાપમાન રહેવાની શક્યતા છે. તો ગરમ પવનો વધવાની પણ શક્યતા છે. પરંતુ જો તમે વિચારતા હશો કે, હવે ઉનાળો સારો જાય તો સારું, તો તમે ખોટા છો, કારણ કે આ વર્ષે ઉનાળો આકરો બની રહેવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ કડકડતી ઠંડી બાદ હવે ઉનાળાની પણ આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે, ૨૦૨૩નો ઉનાળો આકરો બની રહેશે. તેની શરૂઆત ફેબ્રુઆરી મહિનાથી જ થઈ જશે. ૧૩ ફેબ્રુઆરીથી જ વાતાવરણમાં ગરમી વધવાની શરૂઆત થઈ જશે. આ દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ૧૯/૨૦ ફેબ્રુઆરીથી ગરમી વધવા લાગશે. મહત્તમ તાપમાન સમયે ૩૭ ડિગ્રી રહેવાની શક્યતા છે.
ફેબ્રુઆરી મહિનામાં વેલેન્ટાઈન ડે, રોઝ ડે, જેવા અનેક દિવસો આવે છે. આ દિવસોને યાદગાર બનાવવા માટે નાગરિકો ખાસ કરીને યુવાનો બહાર ફરવા જવાનો પ્લાન બનાવતા હોય છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ તેઓને ગરમીમાં અકળાવાનો વારો આવી શકે છે. લોકોને ભર શિયાળે કડકડતી ઠંડીમાં ચોમાસાના અનુભવ બાદ હવે ગરમીનો સામનો કરવો પડશે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં સૌરાષ્ટ્રવાસીઓને કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર રહેવું પડશે. આ સિઝનમાં નાગરિકોને ત્રણ-ત્રણ ૠતુનો અનુભવ થયો છે. ભર શિયાળે ચોમાસા બાદ હવે ગરમીમાં અકળાવાનો વારો આવ્યો છે. આ માસમાં પલટાતા હવામાનની સ્થિતિ અંગે જોઈએ તો ફેબ્રુઆરી તારીખ ૧૩થી મહત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, પશ્ર્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને મધ્ય-પૂર્વ ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન વધવાની શક્યતાઓ છે, તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.
સામાન્ય રીતે એવી માન્યતા છે કે, ઉત્તરાયણ અને મહા શિવરાત્રી બાદ સામાન્ય કાતિલ ઠંડી વિદાય લેતી હોય છે. જોકે ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું છે. વહેલી સવારથી જ રાજ્યમાં ઠંડા પવન ફૂંકાય રહ્યાં છે. પવનની ગતિ તેજ હોવાથી લોકો ઠંડીથી રાહત મેળવવા સ્વેટર પહેરીને બહાર નીકળવા મજબૂર બન્યા છે. જો કે બીજી બાજુ હવે આગામી દિવસોમાં ઠંડીથી થોડી રાહત મળશે તેવા પણ સમાચાર સામે આવી રહ્યાં છે.
મધ્ય ગુજરાતમાં ફેબ્રુઆરી તારીખ ૧૩થી મહત્તમ તાપમાન વધે અને ફેબ્રુઆરી માસ દરમિયાન મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે. ફેબ્રુઆરી તારીખ ૨૦થી ૨૫ ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં વાદળ છાયું વાતાવરણ કે માવઠું થવાની શક્યતા રહેશે. આ દિવસોમાં મજબૂત પશ્ર્ચિમી વિક્ષેપો આવવાની શક્યતાઓ દેશના ઉત્તરીય ભાગોમાં રહેશે. ફેબ્રુઆરી તારીખ ૨૭, ૨૮માં પણ હવમાનમાં પલટો આવશે. માર્ચ તારીખ ૪થી ગરમી વધશે તો ૧૨, ૧૩ માર્ચમાં હવામાન પલટાય તેવી આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં હવે લોકોને ઠંડીમાં થોડી રાહત મળી શકે છે. ૨૪ કલાક બાદ લધુત્તમ તાપમાનમાં પણ ૨થી ૩ ડીગ્રી જેટલો વધારો થઈ શકે છે. ૨૪ કલાક બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે તાપમાનમાં વધારો થશે. અમદાવાદનું તાપમાન ૧૩.૪ ડિગ્રી નોંધાયું છે. ઉત્તર ભારતમાં ફરી એકવાર વાતાવરણ ઠંડું થઈ ગયું છે. લોકો સવાર-સાંજ ઠંડી અને ધુમ્મસનો સામનો કરી રહ્યાં છે. ભારે પવનને કારણે ઉત્તર ભારતમાં એક જ રાતમાં તાપમાનમાં ૪ ડિગ્રીનો ઘટાડો થયો છે. હવામાન વિભાગે ફેબ્રુઆરી ૨૦૨૩માં વરસાદની આગાહી પણ કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે, ફેબ્રુઆરીમાં સમગ્ર દેશમાં માસિક વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે. તે જ સમયે દેશના મોટાભાગના ભાગોમાં માસિક લધુત્તમ તાપમાન સામાન્ય કરતા ઓછું રહેવાની સંભાવના છે.