ગુજરાત રાજ્ય ના આરોગ્ય સચિવ ડૉ.જયંતી રવિ ની બદલી

ગુજરાત રાજ્ય ના આરોગ્ય સચિવ ડૉ.જયંતિ રવીની તાત્કાલિક અસરથી બદલી કરી દેવાતાં અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે.ડૉ.જયંતિ રવી ની એરોવિલ ફાઉન્ડેશન તામિલનાડુના સચિવ તરીકે 3 વર્ષ માટે બદલી કરવાના આદેશ થયા છે. નોંધનીય છે કે રાજ્ય માં કોરોના મહામારી દરમિયાન આરોગ્ય સચિવ ડૉ.જયંતિ રવિ અનેક વિવાદોમાં ઘેરાયેલા રહ્યા હતા.

બીજી તરફ રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતાની સાથે જ એકાએક જયંતિ રવિની બદલી થતા સચિવાલય અને ઉચ્ચ અધિકારીઓમાં આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો છે. રાજ્યના આરોગ્ય સચિવ તરીકે સૌથી પહેલી જવાબદારી જયંતિ રવિના માથે હોવાથી બીજી લહેરની મેડિકલ ઈમરજન્સીમાં સરકારના તમામ વિભાગો અને રાજકીય આગેવાનો દ્વારા દોષ નો ટોપલો ડૉ.જયંતિ રવિના માથે આવી પડ્યો હોવાનું સામે આવ્યું હતું

જોકે,ગુજરાતમાં કોરોનાની પ્રથમ લહેર બાદ ડૉ.જયંતિ રવિએ પોતાની બદલી રાજ્ય બહાર તામિલનાડુમાં કરવા માટેની રજૂઆતો કરી હતી. પરંતુ રાજ્યમાં કોરોનાની બીજી લહેર ચાલુ થઈ જતા કેન્દ્ર સરકારે જયંતિ રવિની બદલી અટકાવી દીધી હતી. જ્યારે હાલ બીજી લહેરમાં કોરોનાના કેસોમાં ધરખમ ઘટાડો થતા અને ત્રીજી લહેર આવે તે પહેલા જયંતિ રવિની આજે સવારે એકાએક બદલીના ઓર્ડર થઇ જતા આ મુદ્દો ભારે ચર્ચા માં રહ્યો છે.

વર્ષ 2002માં ડો. જયંતિ રવિ પંચમહાલ જિલ્લાના કલેક્ટર હતા. ત્યારબાદ શિક્ષણ વિભાગ, ગ્રામવિકાસ પ્રધાનમંત્રી કાર્યલય જેવા વિભાગોમાં પણ તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે. આ સિવાય તેઓ કડક વહીવટકર્તા છે. તેઓ 11 જેટલી ભાષા જાણે છે. તેમણે સંસ્કૃત ભાષામાં ઘણા પુસ્તકો પણ લખ્યા છે. તેમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ પણ લીધી છે. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરી હાવર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેમણે મેનેજમેન્ટ વિષયમાં PhD પણ કર્યું છે.