જીએસટી વિભાગે રાજકોટમાં ૧૫૦૦ કરોડનું બોગસ બિલીંગ કૌભાંડ ઝડપી પાડ્યું, ૫૦ જેટલી બોગસ પેઢીઓ મળી આવી

રાજકોટ, જીએસટી વિભાગે રાજકોટમાં ૧૫૦૦ કરોડનું બોગસ બિલીંગ કૌભાંડ ઝડપી પાડ્યું છે. આ બોગસ બિલીંગ કાંડ રાજકોટ ડિવીઝનમાંથી પકડી પાડવામાં આવ્યુ છે. ૧૦ લાખથી માંડીને ૩ કરોડ રૂપિયા સુધીના બિલો બનાવીને આ કૌંભાડ આચરવામાં આવ્યુ હોવાની માહિતી છે. તો સાથે જ ૧૬૦૦ જેટલા વેપારીઓની કૌભાંડમાં સંડોવણી હોવાનું સામે આવ્યુ છે. તપાસમાં ૫૦ જેટલી બોગસ પેઢીઓ મળી આવી છે.

જીએસટી વિભાગની તપાસમાં સામે આવ્યુ છે કે કેટલાક વેપારીઓ દ્વારા બોગસ પેઢીઓ ઊભી કરીને બોગસ બિલિંગ કરવામાં આવતુ હતુ. એક રીતે જોઇએ તો સરકારી તીજોરી પર ચુનો લગાવવાનું કામ કરવામાં આવતુ હતુ તેવુ પણ કહી શકાય. પ્રાથમિક રીતે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે ૧૦ લાખ રુપિયાથી લઇને ૩ કરોડ રુપિયા સુધીના બોગસ બિલ બનાવવામાં આવતા હતા. આ આખા કૌભાંડમાં કુલ ૧૬૦૦ જેટલા વેપારીઓ સંડોવાયેલા હોવાની માહિતી મળી રહી છે.

માહિતીના આધારે જીએસટી વિભાગ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે. એવુ પણ સામે આવ્યુ છે કે ૫૦ જેટલી બોગસ પેઢી ઊભી કરવામાં આવી હતી. હાલમાં સમગ્ર મામલાને લઇને જીએસટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે તબક્કાવાર આ તમામ વેપારીઓને નોટિસ આપીને તેમના જે આધાર પુરાવા છે તેની ખરાઇ કરવામાં આવશે અને જો ક્સુરવાર જણાશે તો ઊંચો દંડ ફટકારવામાં આવી શકે છે.