જીએસટીના રૂ. ૪૦૦ કરોડના બોગસ બિલિંગના કેસમાં ત્રણની ધરપકડ

રાજ્યના માલ અને સેવા કર (જીએસટી) વિભાગે ગુજરાતમાં રોલિંગ મિલો સાથે સંકળાયેલી નવ કંપનીઓને સંડોવતા કરચોરીના કેસમાં ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે રૂ. ૪૦૦ કરોડના બોગસ બિલોનો ઉપયોગ રૂ. ૭૦.૭૧ કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ગેરકાયદેસર દાવો કરવા માટે કરવામાં આવ્યો હતો. ધરપકડ કરાયેલા  અરવિંદ પટેલ, જસ્મીનકુમાર પટેલ અને કૃપેશકુમાર પટેલ  ફર્મના મેનેજર હતા.

તપાસમાં જીએસટી કાયદાના ગંભીર ઉલ્લંઘનોનો પર્દાફાશ થયો, ખાસ કરીને કલમ ૧૩૨(૧),ગેરકાયદે ઇનપુટ ટેક્સ ક્રેડિટની પ્રાપ્તિ સંબંધિત બાબતોનો સમાવેશ થાય છે. સામેલ કંપનીઓમાં નીલકંઠ એલોય (અરવિંદ પટેલ), કેપકો એલોય (કૃપેશ પટેલ) અને પ્રેસિડેન્ટ ઈન્ડસ્ટ્રીઝ (જાસ્મિન પટેલ)નો સમાવેશ થાય છે.

આ કંપનીઓને રૂ. ૧૯૦.૪૩ કરોડના બિલ મળ્યા હોવાનું જાણવા મળ્યું હતું, જેમાંથી રૂ. ૩૪.૨૭ કરોડની ખોટી ટેક્સ ક્રેડિટ તરીકે ઓળખ કરવામાં આવી હતી. આ કંપનીઓ ટેક્સ ક્રેડિટમાં હેરફેર કરવા અને જીએસટીથી બચવા માટે કામ કરતી હતી, જેનાથી સરકારને નુક્સાન થતું હતું. અરવિંદ અને જસ્મિનને ૨ જુલાઈ સુધી કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. ગુરુવારે ક્રુપેશની ધરપકડ કરવામાં આવી હતી.