ગૃહપતિ અને આચાર્યએ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું:રાજકોટના આંબરડીની જીવનશાળા હોસ્ટેલની ઘટના, સગીરે રજૂઆત કરતાં આચાર્ય પણ કુકર્મમાં સામેલ થઈ ગયો

રાજકોટ જિલ્લામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી વધુ એક ઘટના સામે આવી છે. જેમાં જસદણના આંબરડી ખાતે આવેલી જીવનશાળા હોસ્ટેલના ગૃહપતિ તેમજ આચાર્યએ સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઈ છે. ગુરૂની ગરિમાને લાંછન લગાડનાર ગૃહપતિ કિશનભાઈ ગાંગળિયાએ સગીર સાથે અભદ્ર કૃત્ય કરતા ભોગ બનનારે આચાર્યને રજૂઆત કરી હતી. ત્યારે ગૃહપતિને અટકાવવાને બદલે આચાર્ય રત્ના રાઘવાણી પણ આ કુકર્મમાં સામેલ થઈ ગયો હતો. જોકે સગીરે પોતાના પરિવારને જાણ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જસદણ પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બંનેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

ગૃહપતિ સામે કાર્યવાહી કરવાને બદલે આચાર્ય પણ કુકર્મમાં સામેલ થઈ ગયો પ્રાપ્ત વિગત મુજબ જસદણ તાલુકાના આંબરડીમાં જીવનશાળા હોસ્ટેલ આવેલી છે. જેના ગૃહપતિ કિશન ગાંગળિયાએ અહીં રહેતા 14 વર્ષીય સગીર વિદ્યાર્થીને જર્જરિત રૂમમાં લઈ જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ હતું. જેને લઈને ભોગ બનનારે આ મામલે આચાર્ય રત્ના રાઘવાણીને રજૂઆત કરી હતી. જોકે આ અંગે ગૃહપતિ સામે કાર્યવાહી કરવાને બદલે આચાર્ય પણ આ કુકર્મમાં ગૃહપતિ સાથે સામેલ થઈ ગયો હતો. જેને લઈને ભોગ બનનારે પોતાના પરિવાર સમક્ષ આ વ્યથા ઠાલવતા પરિવાર ચોંકી ઊઠ્યો હતો. અને સમગ્ર મામલે જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ ફરિયાદમાં ભોગ બનનાર સગીરે જણાવ્યું હતું કે, ગૃહપતિ દ્વારા તેને જર્જરિત બની ગયેલા એક રૂમમાં લઈ જવામાં આવતો હતો. જ્યાં નગ્ન કરીને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. જેને લઇને પોતે આ અંગે આચાર્યને રજૂઆત કરી હતી. પરંતુ આ નરાધમ આચાર્ય ગૃહપતિ સામે પગલાં લેવાના બદલે પોતે પણ કામલીલામાં સામેલ થઈ ગયો હતો. જેને લઈ મોકો મળતા પોતે આ અંગે વાલીને રજૂઆત કરી હતી. અને હોસ્ટેલમાંથી પરત લઈ જવા જણાવ્યું હતું. તેમજ પોતાની સાથે બનેલી ઘટના વર્ણવી હતી. હાલ જસદણ પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

આ અંગે ભોગ બનનારના વાલીએ જણાવ્યું હતું કે હોસ્ટેલમાં 5-6 વિદ્યાર્થીને અલગ સૂવડાવે છે. ત્યાં તેમના ગૃહપતિ કિશન ગાંગળિયા રાત્રે 10 વાગ્યા પછી પોતાના રૂમમાં લઈ જઇને સેક્સ્યૂઅલ હેરેસ્ટમેન્ટ કરે છે. 6 વિદ્યાર્થીઓને અલગથી જર્જરિત હોસ્ટેલમાં જ સુવડાવે છે. આ સાથે જબરદસ્તી પાન-મસાલા ખવડાવે છે. જો ઈનકાર કરે તો વિદ્યાર્થીઓને માર મારવામાં આવે છે.

વિદ્યાર્થીઓને મારીને માવો ખવડાવે છે એક-બે છોકરાઓએ માવો ખાતા તેમને ઊલટી થઈ તેમ છતાં તેમને મારીને માવો ખવડાવ્યો છે. આ સાથે પોતાનાં કપડાં પણ વારાફરતી વિદ્યાર્થીઓ પાસે ધોવડાવે છે. આ બાબતે આચાર્યને રજૂઆત કરતાં તેમણે જણાવ્યું કે અમારી સંસ્થામાં આવું ચાલશે તમારે ભણાવવા હોય તો ભણાવો, બાકી લઈ જાવ. આ મામલે યોગ્ય તપાસ થાય તેવી માગ કરી હતી.

ગુજરાતમાં ચિંતાજનક રીતે આવા બનાવોમાં વધારો ઉલ્લેખનીય છે કે માત્ર રાજકોટ જ નહીં ગુજરાતભરમાં હાલ નાનાં બાળકો અને બાળકીઓ સાથે આ પ્રકારના અત્યાચારની ઘટનાઓ સતત વધી રહી છે. જેમાં અમુક કિસ્સામાં વાલીઓ હિંમત કરીને ફરિયાદ કરે છે. પરંતુ ઘણા કિસ્સાઓમાં તો સમાજમાં આબરૂ જવાના ડરથી વાલીઓ પોલીસ ફરિયાદ કરવાનું ટાળતા હોય છે. ત્યારે આવા બનાવો અટકાવવા માટે વાલીઓ આગળ આવે તે ખરેખર ખૂબ જરૂરી છે. જોકે આ કિસ્સામાં સગીરની વાત સાંભળી પરિવારે પોલીસને જાણ કરતા આ અંગે ફરિયાદ નોંધાઈ છે. અને બંને આરોપીઓ પોલીસના હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે.