ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા પર ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

નવીદિલ્હી,કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે જમ્મુ-કાશ્મીરની સુરક્ષાને લઈને ગૃહ મંત્રાલયમાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, જમ્મુ અને કાશ્મીરના એલજી મનોજ સિંહા, ગૃહ સચિવ અજય ભલ્લા, ડીજીપી જમ્મુ અને કાશ્મીર દિલબાગ સિંહ અને એમએચએ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના અન્ય વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી.

અમિત શાહને કેન્દ્ર સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસનના સુરક્ષા અધિકારીઓ દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં વર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પ્રેઝન્ટેશન પણ આપવામાં આવ્યું હતું. સમાચાર એજન્સી પીટીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ સાથેના વિસ્તારોની સ્થિતિ, સરહદ પારથી ઘૂસણખોરીના પ્રયાસો અને લઘુમતી સમુદાયના સભ્યોને નિશાન બનાવવાના પ્રયાસો પર પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

તાજેતરમાં, સરકારે સંસદમાં જણાવ્યું હતું કે ૨૦૧૯ માં કલમ ૩૭૦ નાબૂદ કર્યા પછી, જુલાઈ ૨૦૨૨ સુધી, જમ્મુ અને કાશ્મીરમાં પાંચ કાશ્મીરી પંડિતો અને ૧૬ અન્ય હિન્દુઓ અને શીખો સહિત ૧૧૮ નાગરિકોની હત્યા કરવામાં આવી છે. મે મહિનામાં જમ્મુના કટરા નજીક તેમની બસમાં આગ લાગતાં ચાર હિંદુ તીર્થયાત્રીઓના મોત થયા હતા. આમાં ઓછામાં ઓછા ૨૦ ઘાયલ થયા છે.