ગાંધીનગર લોક્સભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહે ગાંધીનગર લોક્સભા ક્ષેત્રની વરસાદ બાદની પરિસ્થિતિની સમીક્ષા કરી વ્યવસ્થાતંત્રને જરૂરી સુચનાઓ આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગાંધીનગર – અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વ્યાપક વરસાદ થયેલ છે. અમિત શાહે ભારે વરસાદના પગલે શરૂઆતથી જ ગાંધીનગર લોક્સભા ક્ષેત્રમાં ચાંપતી નજર રાખી તંત્રને જરૂરી સૂચનાઓ પ્રસારીત કરી હતી. આ ઉપરાંત આજથી વરસાદનું જોર ઘટતા અમિત શાહે ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના કલેકટરઓ તેમજ મ્યુનિ. કમિશનરઓ સાથે ટેલીફોનીક વાતચીત કરી સાંપ્રત સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.
અમિત શાહે વરસાદી પાણીના ઝડપથી નિકાલ થાય અને ગટરો સહિત રોડ રસ્તાઓના સફાઈકામ યુદ્ધના ધોરણે કરી જનજીવન પૂર્વવત કરવા પ્રશાસનિક અધિકારીઓને સૂચનાઓ આપી હતી. શ્રી શાહે આ ઉપરાંત વરસાદ બાદ રોગચાળો ન ફેલાય તે માટે સફાઈ ઉપરાંત ફોગિંગ અને જરૂરી દવાઓના છંટકાવ ત્વરિત શરૂ કરવા આદેશ પણ આપ્યા હતા.