ગૃહિણીઓના શ્રમનું મૂલ્ય

હાલમાં જ સુપ્રીમ કોર્ટે એક ટિપ્પણીમાં કહ્યું કે ગૃહિણીનું કામ વેતન ઘરે લાવનારી મહિલા કરતાં ઓછું નથી હોતું. પરિવારમાં ભલે તેના યોગદાનનું પૈસામાં આકલન નથી કરી શકાતું, પરંતુ પોતાના લોકોની દેખભાળ કરનારી આ ભૂમિકાનું વિશેષ મહત્ત્વ છે. ઉલ્લેખનીય છેકે ન્યાયાલયે ૨૦૦૬માં થયેલ વાહન દુર્ઘટનામાં વળતરની માંગ સાથે જોડાયેલ એક કેસની સુનાવણીમાં આ વાત કરી હતી. ઉત્તરાખંડમાં થયેલ આ દુર્ઘટનામાં મહિલાનું મોત થઈ ગયું હતું. મહિલા જે વાહનથી યાત્રા કરી રહી હતી તેનો વીમો નહિ હોવાને કારણે ટ્રિબ્યુનલે મહિલાના પરિવારને ૨.૫ લાખ રૂપિયાનું વળતર આપવાનો નિર્ણય કર્યો હતો. દુ:ખદ પક્ષ એ રહ્યો કે મહિલાને મળનારી વીમાની રકમને ટ્રિબ્યુનલે ઓછી આંકી હતી. પરિવાર દ્વારા ટ્રિબ્યુનલના નિર્ણયને પડકાર આપતી અરજી ઉત્તરાખંડ હાઇકોર્ટમાં એમ કહીને રદ્દ કરી દેવામાં આવી હતી કે મહિલા ગૃહિણી હતી, તેથી વળતર જીવન પ્રત્યાશા અને ન્યૂનતમ અનુમાનિત આવક પર નક્કી કરવામાં આવ્યું હતું. ધ્યાન રહે કે ટ્રિબ્યુનલે દુર્ઘટનામાં જીવ ગુમાવનારી ગૃહિણીની અનુમાનિત આવકને એક મજૂર કરતાં પણ ઓછી માની હતી.

મુશ્કેલી એ છેકે ઘર-પરિવાર સાથે જોડાયેલ જવાબદારીઓના વહનમાં જીવન ખપાવી દેનારી સ્ત્રીઓની ભૂમિકાને માન આપવાની માનસિક્તા આજે પણ નથી દેખાતી. મૌદ્રિક આકલનને આધાર માનનારો સમાજ એ સમજવાનો પ્રયાસ નથી કરતો કે આ ભાગીદારી અણમોલ છે. બાળકોનો ઉછેર હોય કે બુઝુર્ગોની સારસંભાળ. સંબંધોને સીંચવાનું પાસું હોય કે પોતાના લોકોને ભાવનાત્મક આધાર આપવાનો પક્ષ. વેતન ચૂકવીને પણ આવી જવાબદારીઓ નિભાવવા કોઈ તૈયાર ન થાય. સામાન્ય રીતે ઉપેક્ષિત રહી જનારી આવી ગૃહિણીઓનું કામ વાસ્તવમાં આપણી પારિવારિક-સામાજિક વ્યવસ્થાનો આધાર છે, જેને કામકાજી મહિલાથી કોઈપણ રૂપે કમતર ન આંકી શકાય. ગૃહિણીની ભૂમિકાના વિસ્તૃત રીતે જોતાં કોર્ટે પ્રશ્ર્ન કર્યો કે એક ગૃહિણીની આવકને કામકાજી વ્યક્તિની આવક કરતાં ઓછી કેવી રીતે માની શકાય? ન્યાયાલયે કમતર માનવાના દૃષ્ટિકોણને ઠુકરાવીને આ મામલે છ લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ કર્યો છે. ન્યાયાલયની આ ટિપ્પણી ગૃહિણીઓની ભૂમિકાને લઈને સમાજ અને પરિવારને ગંભીરતાથી ચેતવનારી છે. ગૃહિણીઓની બહુઆયામી ભૂમિકાને યોગ્ય રીતે સમજ્યા વિના તેના શ્રમશીલ વ્યક્તિત્વને માન નથી મળી શક્તું. આ માનસિક્તા સાથે ગૃહિણીઓને બીજાઓ પર નિર્ભર વ્યક્તિત્વ રૂપે જ જોવામાં આવશે. એવામાં આ નિર્ણય ઘરેલુ મહિલાઓની અવગણના અને ઉપેક્ષાના વર્તન પર સમગ્ર સમાજને સંવેદનશીલ બનવાનો સંદેશ આપે છે. ગૃહિણીઓનું કામ વાસ્તવમાં આપણી પારિવારિક-સામાજિક વ્યવસ્થાનો સબળ આધાર છે, જેને કામકાજી મહિલા કરતાં કમતર ન જ આંકી શકાય.