ગૃહ વિભાગમાં કાયમી પોસ્ટિંગ નહીં એસીએસ પંકજ જોષીને વધારાનો હવાલા

ગુજરાત સરકાર લોકસભાની ચૂંટણી પહેલાં મોટાપાયે વહીવટી ફેરફારો કરવા માગે છે પરંતુ હાલ વિધાનસભાનું અંદાજપત્ર સત્ર ચાલુ હોવાથી વયનિવૃત્ત થનારા અધિકારીઓ સામે વધારાના હવાલા આપવામાં આવ્યા છે. 

રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ પદેથી મુકેશ પુરી નિવૃત્ત થયા પછી રાજ્યના સામાન્ય વહીવટ વિભાગના આદેશથી મુખ્યમંત્રીના અધિક મુખ્યસચિવની જવાબદારી નિભાવતા 1989ની બેચના આઇએએસ અધિકારી પંકજ જોષીને ગૃહ વિભાગનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. તેઓ મુખ્યમંત્રી કાર્યાલયમાં હયાત જગ્યાએ ચાલુ રહી આ વિભાગ સંભાળશે.બીજી તરફ સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્યસચિવ અને 1990ની બેચના આઇએએસ અધિકારી કમલ દયાણીને ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર એન્ડ કેમિકલ્સ લિમિટેડ, વડોદરાના મેનેજીંગ ડિરેક્ટરન વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. 

આ જગ્યાએ ગૃહ વિભાગના મુકેશ પુરી હવાલો સંભાળતા હતા. તેમને નિવૃત્તિ પછી આ બીજી જગ્યાનો વધારાનો હવાલો અન્ય અધિકારીને આપવામાં આવ્યો છે. એવી જ રીતે 2005ની બેચના આઈએએસ અધિકારી તેમજ મહિલા અને બાળ વિકાસના કમિશનર અને વિભાગના સેક્રેટરી કેકે નિરાલાને નાણાં વિભાગ (ખર્ચ)ના સેક્રેટરીનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. આ જગ્યાએ કેએમ ભિમજીયાણી ફરજ બજાવતા હતા પરંતુ તેઓ નિવૃત્ત થતાં આ જગ્યા ખાલી પડી હતી.

રાજ્યના ત્રણ અધિકારીઓની બદલી અને નિમણૂક નવી ઉભી કરાયેલી જગ્યાએ કરવામાં આવી છે, જે પૈકી સ્ટેટ ટેક્સના જોઈન્ટ કમિશનર રિદ્ધેશ રાવલને સુરેન્દ્રનગરમાં એડિશનલ કલેક્ટર તરીકે તેમજ આ જ વિભાગના મહેશ જાનીને બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં નિયુક્તિ આપવામાં આવી છે, જ્યારે કૃષિ (બિયારણ) વિભાગના જોઈન્ટ ડાયરેક્ટર જયેશકુમાર ઉપાધ્યાયને દાહોદમાં મૂકવામાં આવ્યા છે.